સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોને બેઠા કરવા અદાણી હજીરા પોર્ટની ટીમની મોટી કામગીરી, 65 કલાકનું ‘ઓપરેશન સફાઈ’
અદાણી હજીરા પોર્ટ લિમિટેડ (એએચપીએલ)ની ફાયર ટીમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)ની તાત્કાલિક વિનંતીના આધારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક પૂર પછીની સફાઈ કામગીરી હાથ ધરી હતી. તારીખ ૧૦ જુલાઈની વહેલી સવારે લગભગ ૩:૩૦ વાગ્યે કોલ મળતા જ ફાયર ફાઇટર્સની ટીમ ફાયર ટેન્ડર સાથે ડુંભાલ ફાયર સ્ટેશન પહોંચી હતી. ત્યાંથી તેમને જીઆઇડીસી નજીકની બાબા સીતા રામ સોસાયટી અને પાંડેસરાના મારુતિ નગર વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પૂર બાદ રસ્તાઓ અને આંતરિક શેરીઓ કાદવ, માટી અને ગંદા પાણીથી ઢંકાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.
પાણીની અછત અને રસ્તા પરના અવરોધો વચ્ચે ટીમે લગભગ ૧૨ કિલોમીટર દૂરથી વારંવાર પાણી લાવી સફાઈ કામગીરી ચાલુ રાખી. રોટેશન આધારીત શિફ્ટમાં સતત ૬૫ કલાક સુધી કામગીરી કરીને આશરે ૧૫થી ૧૭ કિલોમીટર જેટલા રસ્તાઓ અને શેરીઓને ફરી ઉપયોગલાયક બનાવવામાં આવ્યા. આ અભિયાનથી અવરજવર પુનઃસ્થાપિત થવાની સાથે ગંદા પાણી અને કચરાના નિકાલથી જાહેર આરોગ્યના જોખમમાં પણ ઘટાડો થયો. સ્થાનિક રહેવાસીઓ અને નાગરિક સત્તાવાળાઓએ એએચપીએલ ફાયર ટીમની સમયસરની કામગીરી અને સમર્પણની પ્રશંસા કરી હતી. આ પહેલ કટોકટીના સમયમાં સ્થાનિક સમુદાયોને સહયોગ આપવા તથા પ્રદેશની સુખાકારી અને સ્થિતિસ્થાપકતા માટે એએચપીએલની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ છે.