૨૪ વર્ષીય મુજીબ ઉર રહેમાને હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ, હેટ્રિક સહિત ચાર વિકેટ
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી20 મેચમાં અફઘાનિસ્તાનએ વેસ્ટ ઈન્ડિઝને 39 રનથી હરાવી શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી. આ જીતના મુખ્ય નાયક 24 વર્ષીય ઓફ-સ્પિનર મુજીબ ઉર રહેમાન રહ્યા, જેમણે હેટ્રિક સહિત ચાર વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ લાઈનને તોડી નાંખી.190 રનના લક્ષ્યનો પીછો કરતાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી. બીજી ઓવરમાં એલિક એથેનાઝ 8 રન બનાવીને રનઆઉટ થયો. ત્યારબાદ એવિન લુઈસ અને કેપ્ટન બ્રાન્ડન કિંગે 29 રનની ભાગીદારી કરી, પરંતુ મુજીબે મેચનો પલડો સંપૂર્ણપણે અફઘાનિસ્તાન તરફ વાળી દીધો.
હેટ્રિક લેનાર ત્રીજો અફઘાન બોલર બન્યો.
મુજીબ ઉર રહેમાને બે ઓવરમાં હેટ્રિક પૂરી કરી. તેણે પહેલા એવિન લુઈસ અને જોહ્ન્સન ચાર્લ્સને સતત બોલ પર આઉટ કર્યા અને ત્યારબાદ પોતાની છેલ્લી ઓવરમાં કેપ્ટન બ્રાન્ડન કિંગને આઉટ કરીને હેટ્રિક નોંધાવી. આ સાથે જ તે T20I ક્રિકેટમાં હેટ્રિક લેનાર અફઘાનિસ્તાનનો ત્રીજો બોલર બન્યો. આ પહેલાં રાશિદ ખાન અને કરીમ જનાત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
શિમરોન હેટમાયર અને બ્રાન્ડન કિંગે ચોથા વિકેટ માટે ઝડપી ભાગીદારી કરી અને 33 બોલમાં 68 રન ઉમેર્યા. હેટમાયરે માત્ર 17 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં છ છગ્ગા સામેલ હતા. જોકે, ફઝલહક ફારૂકીએ હેટમાયરને આઉટ કરીને વેસ્ટ ઈન્ડિઝની આશાઓને મોટો ઝટકો આપ્યો.મુજીબે પોતાની છેલ્લી ઓવરમાં ક્વિન્ટન સેમ્પસનને પણ બોલ્ડ કર્યો. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 18.5 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુજીબ ઉર રહેમાને 4 ઓવરમાં માત્ર 21 રન આપીને 4 વિકેટ ઝડપી.
અફઘાનિસ્તાનનો મજબૂત સ્કોર – 189/4
આ પહેલાં, ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં અફઘાનિસ્તાનની શરૂઆત સામાન્ય રહી. રહેમાનુલ્લાહ ગુરબાઝ (1) અને ઇબ્રાહિમ ઝદરાન શરૂઆતમાં જ આઉટ થયા. ત્યારબાદ સિદ્દિકુલ્લાહ અટલ અને દરવિશ રસૂલીએ ત્રીજી વિકેટ માટે 115 રનની શાનદાર ભાગીદારી કરી.
અટલે ઉપયોગી યોગદાન આપ્યું, જ્યારે દરવિશ રસૂલીએ 39 બોલમાં 68 રનની આક્રમક ઇનિંગ રમી, જેમાં ત્રણ છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી મેથ્યુ ફોર્ડે બે વિકેટ ઝડપી.શ્રેણીનો ત્રીજો અને અંતિમ ટી20 મેચ 22 જાન્યુઆરીએ રમાશે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ જીત સાથે શ્રેણીમાં પોતાનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે.

