અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયા બાદ હવે અમદાવાદમાં બનેલી LG મેડિકલ કોલેજનું નામ પણ નરેન્દ્ર મેડિકલ કોલેજ કરવામાં આવનાર છે. મણિનગર ખાતે AMCના મેડિકલ એજ્યુકેશન સંચાલિત LG મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાની દરખાસ્તને આજે મળેલી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવતા હવે LG હોસ્પિટલની મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.
AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની મળેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મણિનગરની એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામાભિધાન કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને મંજૂર કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ મણિનગર વિધાનસભામાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેમના સમય દરમિયાન જ આ કોલેજ બની છે. જેથી મેડિકલ કોલેજનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવા માટેની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવતા નરેન્દ્રભાઇ મોદીનું નામ મેડિકલ કોલેજને આપવા રસ્તો ખુલી ગયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર એલજી જનરલ હોસ્પિટલમાં દર્દીઓના ઉત્તરોત્તર વધારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં આવતા દર્દીઓને સઘન સારવાર મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તે સમયે મેડિકલ કોલેજની સ્થાપનાનો વિચાર આવતા AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજની વર્ષ 2009માં તેઓના વરદ્હસ્તે જેતે સમયે સ્થાપના કરવામાં આવી હતી.
મહત્ત્વનું છે કે અગાઉ અમદાવાદના મોટેરા ખાતેનું સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ત્યારબાદ શહેરમાં હવે મેડિકલ કોલેજનું નામ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામાભિધાન કરવામા આવ્યું છે.