અમદાવાદમાં એક ટી.આર.બી જવાન સામે બે બાળકોની માતાને હેરાન કરવાની ફરિયાદ નોંધાઈ છે. પરિણીત મહિલાનો આક્ષેપ છે કે, યુવક છેલ્લા 1 વર્ષથી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા અને વાતચીત કરવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે પરિણીતાએ તેની સાથે વાતચીત કરવાની કે સંબંધ રાખવાની ના પાડી તો આ યુવકે મહિલાને બદનામ કરવાની ધમકી આપી દીધી. જે બાદ મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી મહિલા અગાઉ સૈજપુર બોઘા ખાતે પોતાના બે સંતાન તથા પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. સૈજપુર ખાતેના ઘરની બાજુમાં રહેતો એક યુવક મહિલાનો પતિ ઘરે ન હોય ત્યારે ત્યાં આવતો અને ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર લખીને આપતો. તે મહિલાને તેની સાથે ફોન પર વાત કરવા દબાણ કરતો હતો. જ્યારે મહિલાએ આ માટે ના પાડી તો તેણે ‘હું તને પ્રેમ કરું છું, મારી સાથે વાત નહીં કરે તો તારા બંને દીકરાને મારી નાખીશ અને પાછળનું પરિણામ ખરાબ આવશે’. આથી ગભરાયેલી પરિણીતા તેની સાથે ફોન પર વાત કરતી હતી અને પરિવારને આ વિશે જાણ કરી હતી.
જે બાદ મહિલાએ પરિવાર સાથે મળી હિંમત બતાવી અને છેવટે ફરિયાદ કરવામાં આવતા જ સમગ્ર મામલો પ્રકાશ માં આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.