અમદાવાદમાં આજેપણ વરસાદી માહોલ જોવા મળ્યો છે જોકે ગઈકાલે શનિવારે મોડી સાંજે મુશળધાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા ત્યાંજ આજે અને આવતીકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગત સાંજે માત્ર દોઢ કલાકમાં બોપલમાં સૌથી વધુ 7 ઈંચ, કોતરપુરમાં 6.50 ઈંચ, જોધપુર, મક્તમપુરા, બોડકદેવ, ચકુડિયા જેવા વિસ્તારોમાં પોણા છથી છ ઈંચ વરસાદ પડ્યો હતો
પશ્ચિમના જોધપુર, સેટેલાઈટ, 132 ફૂટ રિંગ રોડ, આનંદનગર, એસજી હાઈવે, પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં જળ બંબાકાર સર્જાયો હતો.
હાટકેશ્વર, સરસપુર, મેમ્કો, વાસણા, પાલડી, જુહાપુરા, સરખેજમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.
એસજી હાઈવે પર આવેલા કેટલાક શો-રૂમમાં પણ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.
ગત સાંજે શનિવારે પડેલા વરસાદમાં અમદાવાદ શહેર બેટમાં ફેરવાયું હતું અને પાણીમાં ફસાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. જે વાહનો લોકો રસ્તા પર જ મૂકીને ઘરે જતા રહ્યા હતા. રવિવારે વહેલી સવારે રસ્તા ઉપર અને બ્રિજ ઉપર બંધ વાહનોની કતારો જોવા મળી.
શહેરમાં આવેલા તમામ અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી. કોટ વિસ્તારમાં આવેલા રેવડી બજાર, પાંચ કૂવા, ઘીકાંટા, માણેકચોક સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
શહેરના તમામ અંડરપાસ પણ બંધ કરવા પડ્યા જે મોડી રાત્રે માંડ 2 ખૂલ્યા હતા જ્યારે વાસણા બેરેજના 12 દરવાજા ખોલી નદીની સપાટી 128 ફૂટ કરવી પડી હતી.
શહેરના હેલમેટ ચાર રસ્તા ઉપર ઢીંચણથી ઉપર પાણી ભરાઈ ગયા હતા.
આમ,અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.