અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી આજે વહેલી સવારે ર૪ લાખની રોકડ રકમ સાથે એક યુવકની ઇન્કમટેકસના અધિકારીઓએ અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રૂ. ર૪ લાખ રોકડા લઇને યુવક વિદેશ જવાની ફિરાકમાં હતો કે પછી કોઈને અાપવા માટે અાવ્યો હતો તેની તપાસ શરૂ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ચિંતન જોશી નામના યુવક પાસે લાખો રૂપિયાની રૂ.ર,૦૦૦ અને પ૦૦ના દરની નોટો હોવાની માહિતી ઇન્કમટેકસના અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે વહેલી સવારથી જ આઇટીના અધિકારીઓ પેસેન્જરના સ્વાંગમાં વોચ ગોઠવી બેઠા હતા. દરમિયાનમાં ચિંતન જોશી રૂપિયા ભરેલી બેગ લઇને એરપોર્ટ પર આવ્યો હતો. આઇટીના અધિકારીઓએ ચિંતનની અટકાયત કરી તેની પાસેની બેગ તપાસતાં તેમાંથી રૂ.ર૪ લાખની રોકડ રકમ મળી આવી હતી.
અધિકારીઓએ ચિંતનની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે માલસામાન વેચી રૂ.ર૪ લાખ ભેગા કર્યા હતા. ચિંતને અધિકારીઓ સમક્ષ સંતોષકારક જવાબ નહીં આપતાં તેની રૂપિયા ભરેલી બેગ જપ્ત કરી તેને જવા દીધો હતો. ચિંતન પાસે રૂપિયા કેવી રીતે આવ્યા તે મામલે આઇટી અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. જોકે હાલના તબક્કે વધુ કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ પરથી અવારનવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓની દાણચોરી થાય છે. થોડા સમય પહેલાં એરપોર્ટ પરથી એઆઇયુ (એર ઇન્ટેલિજન્ટ યુનિટ)ની ટીમે રૂ.ર૦ લાખનું સોનું જપ્ત કર્યું હતું તેમજ સીજી રોડ પર આવેલી ઓમ હોલિડે નામની કંપની ધરાવતા દીપક રૂપાણી પાસેથી ૧.૧૧૬ કિલો સોનું ઝડપાયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં એરપોર્ટ પર સ્થિત સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ ૧ર૩ કિલો સોનું પકડી પાડયું હતું.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક એરપોર્ટ પરથી અવારનવાર સોનું અને જૂની રોકડ રકમ ઝડપાઈ છે, પરંતુ સૌપ્રથમ વખત મોટી સંખ્યામાં નવી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો છે, જેને લઇને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ ઉપર આવતા જતા મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. ઉપરાંત સેન્ટ્રલ એજન્સીઓ જેવી કે કસ્ટમ વિભાગ, ડીઆરઆઇ વગેરે દ્વારા એરપોર્ટ પર થતી દાણચોરી અંગે વોચ રખાતી હોય છે. આજે સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને જે બાતમી મળી હતી તેના આધારે તેઓએ ચિંતન જોશી પાસેથી રૂ. ૨૪ લાખની નવી ચલણી નોટો કબજે કરી હતી.
સામાન્ય રીતે જોઇએ તો અમદાવાદ શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી લાખો રૂપિયાની ચલણી નોટો પોલીસ અને આઇટી દ્વારા ઝડપવામાં આવી છે, પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી સૌપ્રથમ વાર ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા મોટી સંખ્યામાં રોકડ રકમ સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. ચિંતન જોશીની પાસેથી મળેલી રોકડ રકમને જપ્ત કરીને હાલમાં આ રકમ ચિંતનની છે કે અન્ય કોઇ વ્યક્તિ પાસેથી લાવ્યો હતો કે કેમ તેની તપાસ કરવી જરૂરી બનતી હોઇ આઇટીના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.