લુંટારૂએ જ કહ્યું કે હા, આ ભાઇના આક્ટીવામાંથી રૂપિયા પાંચ લાખ લઇ લીધા હતા. ત્યારે ઇન્સ્પેક્ટર સ્તબ્ધ
અમદાવાદમાં રોજે રોજ લુંટના બનાવો બની રહ્યા છે. જોકે પોલીસ ફરિયાદ નોંધી રહી છે અને ક્રાઇમ બ્રાંચની ટીમે લુંટારૂઓને ઝડપી રહી છે. શહેરના ઝોન-૧ના હાર્દ સમાન વિસ્તારના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની બેદરકારીને લીધે એક વેપારીને રૂપિયા પાંચ લાખ ખોવાની નોબત ઉભી થઇ છે. નવા નિશાળીયા જેવા ઇન્સ્પેકટરે વેપારીની લુંટની ફરિયાદ જ લીધી નહિ અને ત્રીજા દિવસે એજન્સીએ એક રીઢા લુંટારૂને ઝડપી લીધો અને તેણે પાંચ લાખની લૂંટની કબુલાત કરી લીધી. સાથે સાથે પોલીસ મથકમાં ફરિયાદી(જેની ફરિયાદ લેવાઇ નહોતી)ને જોઇને પણ લુંટારૂએ તેમનાજ એક્ટીવામાંથી પાંચ લાખ લીધા હોવાની કબુલાત કરી ત્યારે ઇન્સ્પેક્ટર સ્તબ્ધ થઇ ગયા.
સરળ અને મિતભાષી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ખુદ શહેરીજનોની પરેશાની દુર કરવા તત્પર હોય છે પરંતુ તેમની ભલમનસાઇનો લાભ કેટલાક ઇન્સ્પેકટર ઉઠાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા શહેરના મધ્યના પોલીસ મથકમાં એક વેપારી ફરિયાદ કરવા પહોંચી ગયા. વેપારીએ ફરીયાદ કરી કે તે આંગડીયા પેઢીમાંથી પાંચ લાખ રૂપિયા લઇને પોતાની ઓફીસ જતો હતો. ત્યારે માર્ગમાં જ એક લુંટારૂએ તેની એક્ટીવાની ડીકીમાંથી પાંચ લાખ કાઢી લીધા. તેણે વિરોધ કર્યો પણ લુંટારૂ ભાગી ગયો.
‘પોલીસ ઇન્સ્પેકટરે તારી પાસે પાંચ લાખ હોય તેવું હું માનતો નથી’કહી વાતની શરૂઆત કરી. વેપારીએ બહુ રજુઆત કરતાં ઘટનાસ્થળે ટીમ તપાસ કરવા ગઇ કોઇ સીસીટીવી ફુટે નહિં મળતાં ફરિયાદ લેવાનું માંડી વાળવામાં આવ્યું. વેપારીએ પોતાના કાકાના દિકરાએ મુંબઇથી આંગડીયા પેઢીમાં પાંચ લાખ મોકલ્યા હોવાનું કહેતા ઇન્સ્પેકટરે મુંબઇ ફોન કર્યો અને કડકાઇથી પૂછપરછ શરૂ કરતાં કહ્યું કે જો બ્લેકના રૂપિયા મોકલ્યા હશે તો ફસાઇ જશો. તરત જ સામે છેડેથી પણ રૂપિયાની વાતનો ઇનકાર થઇ ગયો.
વેપારી નિરાશ થઇ ગયો અને ઘરે જવા તૈયારી કરવા લાગ્યો એટલે ઇન્સ્પેકટરે તેને પોલીસને ગેરમાર્ગે કેમ દોરે છે? તેમ કહી ફટકાર્યો. વેપારી પોલીસ આગળ નિરાશ હતો. પાંચ લાખ ગુમાવ્યા બાદ પણ પોલીસનો માર ખાઇને તેને ઘરે જવું પડ્યું.
હવે સત્યને કોઇ પુરાવાની જરૂર પડતી નથી. તે વાત વેપારીના કેસમાં સાબિત થઇ અને એક એજન્સીએ રીઢા લુંટારુને ઝડપી લીધો. તેણે કબુલાત કરી કે શહેરના હાર્દ સમાન વિસ્તારમાંથી એક્ટીવામાંથી પાંચ લાખની લુંટ કરી હતી. ખરાઇ કરવા તેને જેતે પોલીસ મથકમાં લઇ જવાયો અને પેલા વેપારીને પણ બોલાવવામાં આવ્યો. વેપારીને જોતાંજ લુંટારૂએ કબુલાત કરી કે આ વેપારના એકટીવામાંથી જ પાંચ લાખની લુંટ કરી હતી.પોલીસ ઇન્સ્પેકટર સ્તબ્ધ બની ગયા ત્યારે એજન્સીના અધિકારીઓ આગળ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટરની અણસમજ ખુલ્લી પડી ગઇ.