[slideshow_deploy id=’38580′]સેલ્ફીનો ક્રેઝ હોય, પરંતુ ઘટનાની ગંભીરતા ન હોય ત્યારે રૂડી-રૂપાળી સેલ્ફી પણ કેવી વરવી લાગે તેનું ઉદાહરણ બુધવારે જોવા મળ્યું. બળાત્કાર જેવા જઘન્ય અત્યાચારનો ભોગ બનેલી માસુમ આસિફાના બળાત્કારીઓને સજા કરાવવા માટે દેશભરમાં જાગેલા જનાક્રોશના પગલે અમદાવાદમાં જુહાપુરા ખાતે બુધવારે સાંજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પણ ખાસ આમંત્રણથી હાજરી આપી હતી અને પોતે જાણે પૂનિત પગલાં પાડીને શોભામાં અભિવૃદ્ધિ કરી હોય તેમ આ કાર્યક્રમની સેલ્ફી પણ પોસ્ટ કરી હતી. એક માસુમ બાળકી પર બળાત્કાર થાય એ ઘટનાના વિરોધમાં યોજાયેલી રેલી જાણે રાજકીય રોટલા શેકવાનો ઉત્સવ હોય તેમ હાર્દિકના સેલ્ફી મહોત્સવમાં
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ પણ મલકતા ચહેરે ઊભા રહી ગયા હતા. એક તરફ પ્રજાને બળાત્કારના નામે ઉશ્કેરવાની, સડક પર ઉતારવાની, પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું અને બીજી તરફ જાણે ખુશાલીનો પ્રસંગ હોય તેમ ગલગોટા જેવા હસતાં ચહેરે સેલ્ફી ય ખેંચાવવાની એ ચેષ્ટાની સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકા થઈ રહી છે.