અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષાને લઈને ગુરુવારે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓમાંથી બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરી તેમને તણાવમુક્ત પરીક્ષા આપવા માટે ત્રણ દિવસની પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ગુરુવારથી શરૂ થઈ છે. માર્ચ મહિનામાં શરૂ થનારી બોર્ડની પરીક્ષા પહેલા ડીઇઓ કચેરી દ્વારા નવા પ્રયોગરૂપે શહેરમાં પ્રિ-બોર્ડ પરીક્ષા શરૂ કરવામાં આવી છે. આ માટે શહેરની 600 શાળાઓમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.
આ પરીક્ષા માટે લગભગ 45 હજાર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પરીક્ષા માટે 15 ફ્લાઈંગ સ્ક્વોડની પણ રચના કરવામાં આવી છે. આ પરીક્ષા એટલા માટે લેવામાં આવી રહી છે કે જેથી વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષામાં કોઈપણ પ્રકારના ભય કે ટેન્શન વગર બેસી શકે. ગુરુવારથી ત્રણ દિવસીય પરીક્ષામાં ધોરણ 10માં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે બોર્ડ પેટર્નનું પ્રશ્નપત્ર DEO કચેરી દ્વારા તૈયાર કરવામાં આવે છે.