મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલંગ અને અમદાવાદની કુલ સાત ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ યોજનાની મંજૂરી સાથે, આર્થિક રીતે નબળા વર્ગો માટે 23250 EWS મકાનો બાંધવામાં આવશે. 25.56 હેક્ટર જમીન જાહેર સુવિધાઓ માટે અને 29.31 હેક્ટર પાર્ક, રમતના મેદાન અને ખુલ્લી જગ્યાઓ માટે સંપાદિત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલંગની 3 ડ્રાફ્ટ ટીપીને મંજૂરી આપી છે, જેમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 1 ત્રાપજ, સ્કીમ નંબર 2 મહાદેવપર-કાઠવા અને સ્કીમ નંબર-3 અલંગ, મણાર, કાઠવાની સ્કીમનો સમાવેશ થાય છે.
નાગરિકોની સરળતામાં પણ વધારો થશે
આ ડ્રાફ્ટ ટીપી સ્કીમને મુખ્યમંત્રીની મંજુરી મળતાં હવે સબંધિત વિસ્તારોમાં ઝડપથી રસ્તાઓનું કામ હાથ ધરાશે. માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી નાગરિકોના જીવનની સરળતામાં પણ વધારો થશે. અલંગ એક્સ્ટેંશન ડેવલપમેન્ટ ઓથોરિટીના આ ત્રણ ડ્રાફ્ટ ટીપીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ માટે કુલ 21.14 હેક્ટર જમીન સંપાદિત કરવાની છે અને અહીં કુલ 18,900 EWS મકાનો બનાવી શકાય છે.
અમદાવાદમાં 4 પ્રારંભિક ટીપી મંજૂર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલી 4 પ્રાથમિક ટીપીમાંથી ટીપી સ્કીમ નં. 74 (ચાંદખેડા-જુંડાલ), ટીપી સ્કીમ નંબર 123/એ (નરોડા), ટીપી સ્કીમ નંબર 90 (વિંજોલ-2) અને ટીપી સ્કીમ નંબર 96/એ (હાંસોલ-અસારવા). આ ચાર ટીપી સ્કીમ દ્વારા 2.83 હેક્ટર જમીનમાં કુલ 4350 EWS મકાનો બાંધવામાં આવશે. મુખ્યમંત્રીએ આપેલી મંજૂરીના પરિણામે અલંગ અને અમદાવાદમાં પાર્ક, રમતના મેદાન અને ખુલ્લી જગ્યાઓ માટે કુલ 29.31 હેક્ટર જમીન અને જાહેર સુવિધાઓ માટે કુલ 25.56 હેક્ટર જમીન સંપાદિત થવાની છે.
તાજેતરમાં 7 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવામાં આવી છે
આ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી મળ્યા બાદ માળખાકીય સુવિધાઓના ખર્ચને પહોંચી વળવાના હેતુથી કુલ 65.68 હેક્ટર જમીન વેચાણ માટે ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગ આપવા અને લોકોને વધુ સુવિધાઓ આપવાના નામે અત્યાર સુધીમાં 100 જેટલી ટાઉન પ્લાનિંગ યોજનાઓને મંજૂરી આપી છે. બીજી વખત મુખ્યમંત્રી તરીકે રાજ્યના વહીવટી અને શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળ્યા બાદ તેમણે તાજેતરમાં વધુ 7 ટાઉન પ્લાનિંગ યોજનાઓને મંજૂરી આપી છે.