વસ્ત્રાપુર પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયામાં રહતા અમિત પટેલ એસ જી હાઇવે ખાતે આવેલી નામાંકિત રાજપથ ક્લબના મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની ક્લબમાં જ કામ કરતા એક ક્લાર્કે ખોટી રીતે દસ્તાવેજો તૈયાર કરી ખોટા રેકોર્ડ ઉભા કરી અને ગેરકાયદેસર રીતે 20 જેટલા લોકોને કલબની મેમ્બરશીપ વેચીને 1.65 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદ મુજબ રાજપથ ક્લબમાં હાલ 14000 કરતાં પણ વધુ મેમ્બરો છે. છેલ્લા કેટલાક વર્ષથી કામ કરતો હિતેશ દેસાઈ કે જે મકરબા રોડ વેજલપુર ખાતે રહે છે. તે વર્ષ 2012માં ક્લાર્ક તરીકે જોડાયો હતો. વર્ષ 2015માં તેને હ્યુમન રિસોર્સ વિભાગમાં બઢતી આપવામાં આવી હતી. જ્યાં જુના કર્મચારી લક્ષ્મીકાંત.સી સાથે તેણે મેમ્બરશિપ કાર્ડ બાબતની કામગીરી કરવાની હતી. થોડા સમયમાં મેમ્બરશિપ કાર્ડ ની કામગીરી તે સારી રીતે અવગત થઈ ગયો હતો.
થોડા સમય અગાઉ કલબના મેમ્બર એવા સંદિપ સાથે આવીને મેમ્બરશીપ નંબર 1466 કે જે પ્રવીણચંદ્ર માણેકલાલ દેસાઈના નામે હતું તેની માહિતીની પૂછપરછ કરી હતી. જે તે સમયે હિતેશે આ નંબરનું કે નામનું મેમ્બરશીપનું ફોર્મ મળતું નથી તેમ કહીને વાતને ટાળી દીધી હતી. પરંતુ જ્યારે તેને સતત આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે એકાએક ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું. જેથી આ બાબતે શંકા જતાં વધુ ઝીણવટભરી તપાસ કરતા કલબના ઓરીજિનલ રેકોર્ડમાં ડેટામાં ઘણી બધી છેડછાડ અને ગેરરીતિ હોવાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા કેટલાય સમયથી અનેક્ટિવ હોય તેવા એક્સ્પાયર કે ટ્રાન્સફર થયા હોય તેવા અનએક્ટિવ મેમ્બરોના કાર્ડ અને ફોમ ની અંદર છેડછાડ કરી અને જે મેમ્બર ન હોય તેવા લોકોના નામ અને તેમની ખોટી એફિડેવિટ રજૂ કરી અને 20 જેટલી મેમ્બરશીપ ફાળવી હોવાનું બહાર આવ્યું હતું. અને આ મેમ્બરશીપ ફી પેટેના પૈસા કલબમાં જમા કરાવ્યા પણ ન હતા. આમ તેણે એક કરોડ 65 લાખની ઉચાપત કરી હતી જે બાબતે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.