એઈમ્સનો ખુલાસો: દેશમાં દર 5 માંથી 1 બાળકની નજર નબળી, બાબા રામદેવે આપ્યા આંખો તેજ કરવાના આયુર્વેદિક નુસખા
આપણી તબિયત બિલકુલ શતરંજની રમત જેવી છે, જ્યાં દરેક ચાલ વિચારીને ચાલવી પડે છે. જરા પણ બેદરકારી દાખવી તો તન, મન અને નજર ત્રણેય માત ખાઈ જાય છે. દિલ્હીમાં વધતા જતા સ્ક્રીન ટાઈમને કારણે એઈમ્સના રિપોર્ટમાં જણાવાયું છે કે, અંદાજે 20 ટકા બાળકોને ચશ્માની જરૂર પડી રહી છે. મોબાઈલ, ટીવી અને અન્ય ગેજેટ્સ બાળકોની આંખો પર સીધું દબાણ લાવી રહ્યા છે.
શું કહે છે રિપોર્ટ?
રિપોર્ટ અનુસાર, માત્ર બાળકો જ નહીં પણ પુખ્ત વયના લોકોમાં પણ પ્રેસ-બાયોપિયા, ડ્રાય આઈ, માથાનો દુખાવો અને ઝાંખપ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. સૌથી ખતરનાક ‘ગ્લુકોમા’ (કાચબિંદુ) છે, જેને ‘દ્રષ્ટિનો છૂપો ચોર’ કહેવામાં આવે છે, કારણ કે તે લાંબા સમય સુધી ખબર પડવા દીધા વગર ધીમે ધીમે નજર નબળી પાડે છે.
આંખોની સુરક્ષા માટે ધ્યાન રાખવા જેવી બાબતો
મોબાઈલની અતિશય તેજ ચમક આંખોની રોશની ફીકી પાડી દે છે. આથી બાળકોને આઉટડોર ગેમ્સ અને ઇન્ડોર બ્રેન ગેમ્સ (જેમ કે શતરંજ) તરફ વાળવા જોઈએ. દિવસની શરૂઆત યોગ અને આંખોની કસરતથી કરવી જોઈએ જેથી મગજ પણ તેજ રહે અને નજર પણ સુરક્ષિત રહે.
આંખોની રોશની વધારવાના રામબાણ ઉપાયો
બાબા રામદેવે આંખોનું તેજ વધારવા માટે નીચે મુજબના અસરકારક ઉપાયો સૂચવ્યા છે:
૧. પ્રાણાયામ અને યોગ: રોજ સવાર-સાંજ 30 મિનિટ પ્રાણાયામ કરો. જેમાં અનુલોમ-વિલોમ અને ઓછામાં ઓછી 7 વાર ‘ભ્રામરી’ પ્રાણાયામ કરવાથી આંખોના જ્ઞાનતંતુઓને આરામ મળે છે અને દ્રષ્ટિ સુધરે છે.
૨. આયુર્વેદિક આહાર:
- મહાત્રિફલા ધૃત: 1 ચમચી મહાત્રિફલા ધૃત દૂધ સાથે દિવસમાં બે વાર જમ્યા પછી લેવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.
- એલોવેરા અને આમળાનો જ્યુસ: સવારે ખાલી પેટે એલોવેરા અને આમળાનો રસ પીવો, જે આંખોના સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.
- ચશ્મા ઉતારવાનો પાવડર: બદામ, વરિયાળી અને સાકરને સરખા ભાગે પીસીને પાવડર બનાવી લો. રોજ રાત્રે સૂતી વખતે ગરમ દૂધ સાથે આ પાવડર લેવાથી ચશ્માના નંબર ઉતરી શકે છે.
૩. આંખોની સફાઈ: ગુલાબજળમાં ત્રિફલાનું પાણી મિક્સ કરો. હવે મોઢામાં સાદું પાણી ભરો (જેથી આંખો બહારની તરફ આવે) અને ત્રિફલા-ગુલાબજળના મિશ્રણથી આંખોને પટપટાવીને ધોવો. આનાથી આંખોમાં રહેલી ગરમી અને કચરો દૂર થાય છે.
૪. નેત્ર કસરત: વચ્ચે-વચ્ચે સ્ક્રીન પરથી નજર હટાવીને ‘પામિંગ’ (હથેળીઓ ઘસીને આંખો પર રાખવી) અને ‘બ્લિંકિંગ’ (આંખો પટપટાવવી) જેવી કસરતો કરવાની આદત પાડો.

