ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ: ખામેનેઈ બાદ લારીજાનીનું મોત, શું અમેરિકા અને ઈઝરાયેલની મુશ્કેલીઓ વધશે?
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યાના ગણતરીના દિવસો બાદ હવે ઈઝરાયેલે અલી લારીજાનીને પણ ઠાર કર્યા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ ગુપ્ત માહિતીના આધારે લારીજાનીની પુત્રીના ઘરે એરસ્ટ્રાઈક કરીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. અલી લારીજાની ઈરાનની સર્વોચ્ચ સુરક્ષા પરિષદના પ્રમુખ હતા અને ખામેનેઈના અત્યંત વિશ્વાસુ ગણાતા હતા.
જોકે, ઈઝરાયેલ અને અમેરિકા આને મોટી સફળતા ગણાવી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ વ્યૂહરચના ઉલટી પણ પડી શકે છે. ઈરાનના ટોચના નેતાઓની શ્રેણીબદ્ધ હત્યાઓ છતાં ઈરાન નબળું પડવાને બદલે વધુ આક્રમક બની શકે છે.
અત્યાર સુધી કયા મોટા નેતાઓના મોત થયા?
યુદ્ધની શરૂઆતથી જ ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાનના નેતૃત્વને નિશાન બનાવ્યું છે. જેમાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનેઈ, IRGC ચીફ મોહમ્મદ પાકપુર, સંરક્ષણ સલાહકાર અલી શમખાની અને સૈન્ય પ્રમુખ અબ્દુલ મોસાવી જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ઈરાનના બે સંરક્ષણ મંત્રીઓ પણ આ જંગમાં માર્યા ગયા છે. હવે લારીજાનીના જવાથી ઈરાનના સૈન્ય સંકલનને મોટો ફટકો પડ્યો છે તેમ માનવામાં આવે છે.
ટોચના નેતાઓની હત્યા છતાં ઈરાન માટે આ કેમ ફાયદાકારક હોઈ શકે? 4 મુદ્દામાં સમજો
મોટા નેતાઓની હત્યા ઈરાન માટે આંચકો ચોક્કસ છે, પરંતુ લાંબા ગાળે તે ઈસ્લામિક સ્ટેટ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે:
1. ઉત્તરાધિકારીની અગાઉથી તૈયારી:
ઈરાનમાં ‘4 સક્સેસર’ ફોર્મ્યુલા લાગુ છે, જે મુજબ દરેક મહત્વના પદ માટે ચાર ઉત્તરાધિકારીઓ અગાઉથી નક્કી કરેલા હોય છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, નેતાઓના જવાથી સરકાર પડી જવાની કોઈ શક્યતા નથી. ઉલટું, આ પ્રક્રિયાથી યુદ્ધ વધુ લાંબું ખેંચાઈ શકે છે, જે કદાચ ઈરાન પણ ઈચ્છે છે.
2. નવા નેતાઓ વિશે માહિતીનો અભાવ:
જૂના અને જાણીતા નેતાઓની હત્યા બાદ જે નવા નેતાઓ સત્તા સંભાળી રહ્યા છે, તેમના વિશે પશ્ચિમી દેશો પાસે બહુ ઓછી માહિતી છે. આ નવા નેતાઓ જૂના નેતાઓ કરતા પણ વધુ કટ્ટરપંથી હોઈ શકે છે, જેના કારણે તેમની સાથે શાંતિ વાટાઘાટો કરવી અમેરિકા માટે વધુ મુશ્કેલ બનશે.
3. દુશ્મનીમાં વધારો અને પ્રોક્સી વોર:
નિષ્ણાતોના મતે, તમે નેતાઓનું ‘માથું’ કાપી શકો છો પરંતુ આખા દેશના વિચારને ખતમ કરી શકતા નથી. નેતાઓની હત્યાથી ઈરાની જનતામાં રોષ વધશે, જે ભવિષ્યમાં અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ભયંકર પ્રોક્સી વોર (પરોક્ષ યુદ્ધ) માં પરિણમી શકે છે.
4. આંતરિક વિરોધનું શમન અને સહાનુભૂતિ:
ઈરાનમાં સરકાર વિરુદ્ધ જે પ્રદર્શનો થઈ રહ્યા હતા, તે આ વિદેશી હુમલાઓના કારણે શાંત પડી ગયા છે. હવે લોકો સરકારના વિરોધને બદલે રાષ્ટ્રવાદના નામે એક થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈરાનને સહાનુભૂતિ મળી રહી છે, જે અમેરિકાની વિદેશ નીતિ માટે ચિંતાનો વિષય છે.

