ભારત-અમેરિકા વચગાળાની વ્યાપાર સમજૂતી: દવા, ડાયમંડ અને કૃષિ ઉત્પાદનો પર લાગશે ઝીરો ટેરિફ
ભારત અને અમેરિકાએ શનિવારે એક ઐતિહાસિક વચગાળાના વેપાર કરાર પર સહમતી દર્શાવી છે, જેનાથી બંને દેશો વચ્ચે વેપાર અને નિકાસની તકોમાં નવા આયામો ખુલશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તેને “બંને દેશોના હિતમાં મોટી ડીલ” ગણાવતા પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર માહિતી આપી હતી.
અમેરિકા ભારતને આપશે સૌથી ઓછો ટેરિફ
ગોયલે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત પર માત્ર 18% ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ચીન પર 35% અને બાંગ્લાદેશ પર 20% ટેરિફ લાદવામાં આવ્યો છે. આનાથી ભારતીય નિકાસકારોને અમેરિકી બજારમાં સ્પર્ધાત્મક સરસાઈ મળશે.
કઈ વસ્તુઓ ટેરિફ ફ્રી થશે?
મંત્રીએ માહિતી આપી હતી કે ભારતની અનેક મુખ્ય નિકાસ વસ્તુઓ હવે ટેરિફ ફ્રી (શુલ્ક મુક્ત) થશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- જેનરિક દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ
- રત્નો અને હીરા (ડાયમંડ)
- વિમાનના સ્પેરપાર્ટ્સ અને તકનીકી સાધનો
- કોફી, કેરી, ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી અને બ્રાઝિલ નટ્સ
- ફળો, શાકભાજી અને તેના રસ
- અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, તલ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસ
ગોયલે આને “ભારતના નિકાસકારો માટે $30 ટ્રિલિયનની તક” ગણાવી હતી અને કહ્યું હતું કે આ ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), ખેડૂતો અને માછીમારો માટે ફાયદાકારક સોદો છે.
વિકસિત ભારત 2047 માટે મોટું કદમ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ સમજૂતી વિકસિત ભારત 2047 ની દિશામાં એક મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ફેબ્રુઆરી 2025 માં શરૂ થઈ હતી અને તેનો લક્ષ્યાંક દર વર્ષે $500 અબજની નિકાસ કરવાનો છે. ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલની પ્રશંસા કરી હતી.
ચીન અને અન્ય દેશોના ટેરિફનો તુલનાત્મક લાભ
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે નવા વ્યાપાર માળખા હેઠળ ભારતને અમેરિકામાં સૌથી ઓછા ટેરિફનો લાભ મળશે, જ્યારે ચીન પર 35%, બાંગ્લાદેશ અને વિયેતનામ પર 25% ટેરિફ લાગુ રહેશે.
આ સમજૂતી દ્વારા ભારતના ફાર્મા, ડાયમંડ, કૃષિ અને તકનીકી ઉત્પાદનોને અમેરિકી બજારમાં મફત પ્રવેશ મળશે, જેનાથી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પણ મજબૂતી મળશે. નિષ્ણાતો તેને દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાં ઐતિહાસિક સીમાચિહ્ન માની રહ્યા છે.

