ગરમી વચ્ચે સનાળા ગામે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂત રમેશભાઈના ખેતરે પહોંચ્યા, ખેતી સાથેનો અનોખો અનુભવ કર્યો
અમરેલી જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગરમીના તપારા વચ્ચે સનાળા ગામની મુલાકાત લીધી હતી. અહીં ખેડૂત રમેશભાઈના ખેતરે પહોંચીને મંત્રીશ્રીએ પોતે ટ્રેક્ટર પર સવાર થઈ સવડુ (ખેતીનું સાધન) હાંકી ખેતર ખેડ્યું હતું. એક ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં ખેતરમાં ઉતરીને પરસેવો પાડી તેમણે ખેડૂતપુત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ તકે તેમની સાથે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ખેતીકામમાં જોડાયા હતા, જે દ્રશ્યોએ ગ્રામજનોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારની કટિબદ્ધતા અને રાહત પેકેજની જાહેરાત
ખેતરમાં કામ કરતી વખતે મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર હંમેશા ધરતીપુત્રોના વિકાસ માટે કાર્યરત છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું હતું, તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્વરિત નિર્ણય લઈને રૂ. ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ મંજૂર કર્યું છે. પંચરોજકામના આધારે ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવામાં આવી રહી છે, જેથી મુશ્કેલીના સમયે તેમને મોટો ટેકો મળી રહે.
આધુનિક ટેકનોલોજી અને ખેતીના સંસ્કારોનો સમન્વય
કૃષિમંત્રીએ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા જણાવ્યું કે આજના સમયમાં ખેતીમાં ટ્રેક્ટર અને નવા સાધનોથી કામ સરળ બન્યું છે. સત્તાના શિખરે પહોંચ્યા પછી પણ પોતાના ખેતીના મૂળિયાં અને સંસ્કારોને વાગોળતા તેમણે ખેડૂતો સાથે આત્મીયતા કેળવી હતી. સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને બિયારણ, ખાતર અને આધુનિક મશીનરી માટે મળતી સહાયનો વધુમાં વધુ લાભ લેવા તેમણે અપીલ કરી હતી.

