અશ્વિનનો બોર્ડ પર પ્રહાર: “અક્ષર પટેલ જેવો MVP બહાર કેમ?” આઈપીએલ જેવી રણનીતિ પર ઉઠાવ્યા સવાલ
દક્ષિણ આફ્રિકા સામેની 76 રનની કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનની પસંદગી પર વિવાદના વંટોળ ઉઠ્યા છે. ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને અક્ષર પટેલને પડતા મૂકવાના નિર્ણય સામે લાલ આંખ કરી છે. અશ્વિનના મતે, આઈસીસી ટૂર્નામેન્ટ જેવી મોટી ઇવેન્ટમાં આ પ્રકારના અખતરા ભારતને મોંઘા પડી રહ્યા છે.
“આ IPL નથી, આ ICC ટૂર્નામેન્ટ છે”
પોતાની યુટ્યુબ ચેનલ ‘Ash Ki Baat’ પર વાત કરતા અશ્વિને ટીકાત્મક સ્વરે કહ્યું કે, વિરોધી ટીમના ડાબોડી બેટ્સમેનોને જોઈને ટીમમાં ફેરફાર કરવાની રણનીતિ આઈપીએલ માટે ઠીક છે, કારણ કે ત્યાં ભૂલ સુધારવા માટે 14 મેચો હોય છે. પરંતુ વર્લ્ડ કપ જેવા મંચ પર ખેલાડીઓની સ્થિરતા વધુ મહત્વની છે.અશ્વિને ભારપૂર્વક જણાવ્યું કે, “અક્ષર પટેલ ટી20 ફોર્મેટમાં ટીમનો ખરો ‘MVP’ (મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર) છે. તેને આવી મહત્વની મેચમાંથી બહાર રાખવો તે મારી સમજની બહાર છે.”
2024 વર્લ્ડ કપ ફાઈનલની યાદ અપાવી
અશ્વિને અક્ષર પટેલના મહત્વને સમજાવવા માટે 2024ના ટી20 વર્લ્ડ કપ ફાઈનલનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે ભારત મુશ્કેલીમાં હતું ત્યારે અક્ષરે જ વિરાટ કોહલી સાથે મળીને પારી સંભાળી હતી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. અશ્વિન અનુસાર, અમદાવાદમાં જો મધ્ય ઓવરોમાં અક્ષર જેવો સ્થિર બેટ્સમેન હોત, તો ભારત 188 રનનો પીછો કરી શક્યું હોત.
વોશિંગ્ટન સુંદરનો ‘દાવ’ ઉંધો પડ્યો
દક્ષિણ આફ્રિકાના ડાબોડી બેટ્સમેનોને રોકવા માટે વોશિંગ્ટન સુંદરને ટીમમાં લેવામાં આવ્યો હતો, પરંતુ તે બેવડી નિષ્ફળતા સાબિત થયો:
બોલિંગ: માત્ર 2 ઓવરમાં 17 રન આપ્યા અને એક પણ વિકેટ ન ઝડપી.
બેટિંગ: પાંચમા ક્રમે પ્રમોટ કરવા છતાં તે માત્ર 11 રન બનાવી શક્યો.
ચેન્નાઈમાં હવે ‘કરો અથવા મરો’ની સ્થિતિ
નેધરલેન્ડ્સ બાદ સતત બીજી મેચમાં અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય ભારતને ભારે પડ્યો છે. હવે ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ઝિમ્બાબ્વે સામે છે.સેમિફાઈનલની રેસમાં ટકી રહેવા માટે ભારત માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. શું ચેન્નાઈની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર ટીમ મેનેજમેન્ટ પોતાની ભૂલ સુધારીને અક્ષર પટેલને ફરી ટીમમાં સામેલ કરશે? તેના પર સૌની નજર ટકેલી છે.

