Volvo XC90: દુનિયાની સૌથી સુરક્ષિત કાર ભારતમાં લોન્ચ, કિંમત 1.02 કરોડ રૂપિયા
Volvo XC90 ફેસલિફ્ટ હવે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. આ દુનિયાની સૌથી સુરક્ષિત કારોમાંથી એક માનવામાં આવે છે અને તેનું આકર્ષક ડિઝાઇન લોકોનું ધ્યાન ખેંચે છે. ભારતમાં તેનું હાલનું મોડલ પહેલેથી જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે કંપનીએ તેનું ફેસલિફ્ટ વેરિઅન્ટ રજૂ કર્યું છે, જેમાં કેટલાક નવા અને અપડેટેડ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ કાર માત્ર એક જ ફુલ-લોડેડ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જે માત્ર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. ચાલો જાણીએ તેના ફીચર્સ અને કિંમત વિશે.
ડિઝાઇન અને ફીચર્સ
ગયા વર્ષે આ કારને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી હતી. તે 6 અને 7-સીટર વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે. લાંબા સમય બાદ તેનું ફેસલિફ્ટ મોડલ બજારમાં આવ્યું છે, જેમાં ફ્રન્ટ અને રિયર લુકમાં થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. ફ્રન્ટમાં ડાયગોનલ સ્લેટ્સ ગ્રિલ અને LED DRLs ને “થોર હેમર” લુક આપવામાં આવ્યો છે.
ઉત્તમ એર વેન્ટ્સ માટે ફ્રન્ટ બંપરને નવી ડિઝાઇન આપવામાં આવી છે. કારમાં નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ અને નવી LED ટેલ લાઇટ્સ પણ જોવા મળે છે. ઈન્ટીરિયરની વાત કરીએ તો, તેમાં 11.2 ઈંચનું ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે મળશે. કેબિન અગાઉની જ પ્રકારે જાળવવામાં આવ્યો છે અને તેમાં વિશેષ ફેરફારો જોવા નહીં મળે.
એન્જિન અને પાવર
2025 Volvo XC90 ફેસલિફ્ટમાં 48V માઈલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે 2.0-લિટર 4-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 250bhp ની પાવર અને 360Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે અને 0-100 kmph ની ઝડપ ઝડપથી મેળવવામાં સક્ષમ છે.
મુકાબલો અને કિંમત
Volvo XC90 ફેસલિફ્ટનો સીધું મુકાબલો Audi Q7, BMW X5, Mercedes-Benz GLE અને Jeep Grand Cherokee સાથે થશે. આ કારની ડિલિવરી આજથી શરૂ થઈ જશે. Volvo XC90 ફેસલિફ્ટની એક્સ-શોરૂમ કિંમત 1.02 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.