લાખોના ખર્ચ વિના સફળ ની-રિપ્લેસમેન્ટ: આયુષ્માન કાર્ડથી ૭૦ વર્ષીય મહિલાને મળ્યું નવું જીવન
વધતી જતી ઉંમર સાથે ઘૂંટણના દુખાવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે, જે મધ્યમ અને ગરીબ પરિવારો માટે શારીરિક વેદનાની સાથે આર્થિક બોજ પણ લાવે છે. જ્યારે ઘૂંટણના સાંધા સંપૂર્ણ ઘસાઈ જાય ત્યારે ‘ની-રિપ્લેસમેન્ટ’ (Knee Replacement) એકમાત્ર ઈલાજ હોય છે. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો ખર્ચ લાખોમાં થતો હોવાથી અનેક લોકો પીડા સહન કરતા રહે છે, પરંતુ સરકારની ‘આયુષ્માન ભારત’ યોજના આવા જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું નવું કિરણ બની છે.
૧૧ વર્ષનો લાંબો સંઘર્ષ અને આયુષ્માન કાર્ડનો આધાર
મોરબીના ૭૦ વર્ષીય જ્યોતિબેન જોશી છેલ્લા ૧૧ વર્ષથી ઘૂંટણના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. ઓપરેશનની જરૂરિયાત હોવા છતાં ૧.૫૦ લાખ જેવો મોટો ખર્ચ જોઈને તેઓ અચકાતા હતા. આ સમયે આયુષ્માન કાર્ડ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થયું. આ કાર્ડની મદદથી જ્યોતિબેનનું ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે થયું અને આજે તેઓ કોઈ પણ ટેકા વગર પોતાની જાતે હરી-ફરી શકે છે.
વિદેશ જેવી આરોગ્ય સુવિધાઓ હવે ભારતમાં
જ્યોતિબેનના પુત્ર, જેઓ ઓસ્ટ્રેલિયામાં સ્થિત છે, તેમણે આશ્ચર્ય અને આનંદ સાથે જણાવ્યું કે વિદેશમાં જેવી મફત આરોગ્ય સેવાઓ મળે છે, તેવી જ ઉત્કૃષ્ટ સુવિધા આજે ભારતમાં આયુષ્માન યોજના થકી ઉપલબ્ધ છે. ઓપરેશન બાદ જ્યોતિબેન હવે એટલા સ્વસ્થ છે કે તેઓ વૈષ્ણોદેવીના દર્શન પણ કરી આવ્યા છે. આ યોજના સામાન્ય નાગરિકો માટે એક મજબૂત ‘હેલ્થ બેકઅપ’ સાબિત થઈ રહી છે.
જનજાગૃતિ અને યોજનાની સફળતા
જ્યોતિબેનનો સંતોષ એ આ યોજનાની સફળતાનો જીવંત પુરાવો છે. જો આયુષ્માન કાર્ડ ન હોત, તો કદાચ તેમને આજીવન લાકડીના ટેકે જીવવું પડ્યું હોત. મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં અનેક પરિવારો આ કાર્ડના માધ્યમથી મોંઘી સર્જરીના આર્થિક બોજમાંથી મુક્ત થયા છે. જે નાગરિકોએ હજુ આ કાર્ડ કઢાવ્યું નથી, તેમને વહેલી તકે આ સુરક્ષા કવચ મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.

