આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને મળતું રૂ. ૧૦ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ
જાહેર આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ભારત સરકારની આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ છે. આ યોજના અંતર્ગત ગુજરાતના નાગરિકોને ગંભીર બીમારીઓ સામે વાર્ષિક રૂ. ૧૦ લાખ સુધીનું મફત આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. સુરત જિલ્લામાં જ અત્યાર સુધીમાં ૨૧ લાખથી વધુ લોકોને આ કાર્ડ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે, જેમાં ૭૦ વર્ષથી વધુ વયના ૨ લાખથી વધુ વયવંદના કાર્ડ ધારકોનો પણ સમાવેશ થાય છે.
આ યોજના માત્ર સારવાર પૂરતી સીમિત નથી, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયાના ૩ દિવસ પહેલા અને રજા આપ્યાના ૧૫ દિવસ પછીના દવા-તપાસના ખર્ચને પણ આવરી લે છે. કેન્સર, હૃદય રોગ અને કિડની જેવી ગંભીર બીમારીઓ માટે હવે ગરીબ પરિવારોએ દેવું કરવાની જરૂર રહેતી નથી. રાજ્યમાં અગાઉની ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાને હવે PM-JAY સાથે જોડી દેવામાં આવી છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને પણ મોટો આર્થિક આધાર મળ્યો છે.
આ યોજનાનો લાભ લેવા માટે SECC ૨૦૧૧ ના ડેટા મુજબ નોંધાયેલા પરિવારો અથવા ૭૦ વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો પાત્ર છે. જે નાગરિકોએ હજુ સુધી આ કાર્ડ કઢાવ્યું નથી, તેઓ નજીકના સરકારી દવાખાના, ઝોનલ હેલ્થ સેન્ટર કે સિવિલ હોસ્પિટલ ખાતે આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવા દસ્તાવેજો રજૂ કરીને પોતાનું આયુષ્માન કાર્ડ મેળવી શકે છે. ઓનલાઇન પાત્રતા તપાસવા માટે સરકારની સત્તાવાર વેબસાઇટ પર રેશન કાર્ડ નંબર દ્વારા સર્ચ કરી શકાય છે.
સરકારની આ પહેલથી આરોગ્ય ક્ષેત્રે ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ’નું સપનું સાકાર થઈ રહ્યું છે. વિનામૂલ્યે અને કેશલેસ સારવારની સુવિધાને કારણે સામાન્ય માનવીનો સરકારી અને સંલગ્ન ખાનગી હોસ્પિટલો પર ભરોસો વધ્યો છે. કોઈપણ સહાય કે માહિતી માટે હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ પર સંપર્ક કરીને નાગરિકો માર્ગદર્શન મેળવી શકે છે, જે સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
