બાબર આઝમને ODI ટીમમાંથી બહાર કર્યા બાદ PCB પાસે ‘સ્પષ્ટતા’ની માંગ: ‘તે આ પ્રકારના વ્યવહારને લાયક નથી’
બાંગ્લાદેશ સામેની વન-ડે શ્રેણી માટે પાકિસ્તાની ટીમમાંથી સ્ટાર બેટ્સમેન બાબર આઝમને બહાર કરવામાં આવતા પાકિસ્તાન ક્રિકેટમાં નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિર અને અહમદ શહઝાદે આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને આડે હાથ લીધું છે અને બાબરને ટીમમાંથી બહાર કરવા પાછળનું સાચું કારણ જાહેર કરવા માંગ કરી છે.
આમિરનો સવાલ: શું T20 ના ફોર્મ પરથી ODI માંથી પડતો મુકાયો?
T20 વર્લ્ડ કપ 2026 માં સલમાન અલી આગાની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાનનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું અને ટીમ સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. આ નિષ્ફળતાની અસર વન-ડે ટીમની પસંદગી પર જોવા મળી છે, જેમાં બાબર આઝમ અને સેમ અયુબ જેવા ખેલાડીઓને પડતા મૂકવામાં આવ્યા છે.
મોહમ્મદ આમિરે એક ટીવી શો દરમિયાન PCB ની પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, “તમે સેમ અયુબ અને બાબર આઝમને ODI માંથી કેમ ડ્રોપ કર્યા? શું આ નિર્ણય T20 માં તેમના પ્રદર્શનને આધારે લેવામાં આવ્યો છે, કે પછી તેમને આરામ આપવામાં આવ્યો છે? જો તમે તેમને ડ્રોપ કર્યા છે, તો તેઓ વાપસી કેવી રીતે કરશે? આવતા વર્ષે વર્લ્ડ કપ છે, તો શું આ નવા ખેલાડીઓ જ વર્લ્ડ કપ રમશે? અમને આ બાબતે સ્પષ્ટતા જોઈએ.”
અહમદ શહઝાદે ઉઠાવ્યા ગંભીર સવાલો
બીજી તરફ, અહમદ શહઝાદે બાબર આઝમની ગરિમા વિશે વાત કરતા કહ્યું કે, શું આવો મોટો નિર્ણય લેતા પહેલા બાબરને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો? શહઝાદે જણાવ્યું કે, “બાબર આઝમના દુનિયાભરમાં ફેન્સ છે, તેમને સત્ય જાણવાનો હક છે. જો તે પર્ફોર્મ નથી કરી શક્યો તો તે અલગ વાત છે, પણ જો કોઈ અન્ય કારણ હોય તો તે પણ જનતાને જણાવો.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “પાકિસ્તાન પાસે અત્યારે બાબરથી સારો કોઈ બેટ્સમેન નથી. જો તમે તેને કોઈ ચોક્કસ કારણ વગર સાઈડલાઈન કર્યો હોય, તો તે તેની સાથે અન્યાય છે. તે આ પ્રકારના વર્તનને લાયક નથી.”
બાંગ્લાદેશ શ્રેણી માટે પાકિસ્તાનનો નવો પ્રયોગ
PCB એ બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે ટીમમાં ધરખમ ફેરફારો કર્યા છે અને છ નવા (Uncapped) ખેલાડીઓને તક આપી છે. ટીમમાં અબ્દુલ સમદ, માઝ સદાકત, મુહમ્મદ ગાઝી ગોરી, સાદ મસૂદ, સાહિબઝાદા ફરહાન અને શમીલ હુસૈન જેવા યુવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે બોલિંગની કમાન શાહીન શાહ આફ્રિદી સંભાળશે અને તેણે કેપ્ટન તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સલમાન અલી આગા પણ ટીમનો હિસ્સો રહેશે. હવે જોવાનું એ રહેશે કે બાબર વગરની આ નવી પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશ સામે કેવું પ્રદર્શન કરે છે.

