સાંસદના ખુલાસા પછી પણ કાર્યવાહી શૂન્ય, ભરૂચના રોડ નિર્માણ પર ગંભીર પ્રશ્નો
ભરૂચ જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જવાના બનાવો નવા નથી, પરંતુ તાજેતરમાં ખુલાસો થયો છે કે રોડ નિર્માણમાં ડામરની બદલે ઓઈલનો ઉપયોગ થતો હોવાથી માર્ગો ઝડપથી ખરાબ થઈ રહ્યાં છે. સાંસદે આ મુદ્દો જાહેર કર્યો હોવા છતાં જિલ્લા પંચાયતના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા ન દેખાતા ગ્રામજનોએ ખુદ મેદાનમાં ઉતરી કોન્ટ્રાક્ટર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. 2.94 લાખના ખર્ચે તૈયાર થતો રોડ પણ તકલાદી હોવાના આક્ષેપો સાથે વાહનચાલકો પટકાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
રોડ નિર્માણમાં ઓઈલ વપરાશે તો કેમ ટકે માર્ગ? ગ્રામજનોએ રજૂ કર્યા જીવંત પુરાવા
જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરાયેલા રોડ કામમાં રોનક કન્સ્ટ્રક્શન દ્વારા ડામરની જગ્યાએ ઓઈલ વપરાયુ હોવાનો આરોપ છે. કવિઠાથી સામલોદ અને ડભાલીને જોડતા આ માર્ગના નિર્માણમાં ટેન્ડર દસ્તાવેજો પણ સ્થળ પર ઉપલબ્ધ ન હતા. કપચી સડક પર રજડતી રહી હતી, જેને ગ્રામજનોએ હાથથી ઉખાડી બતાવી કામની નબળી ગુણવત્તા સાબિત કરી. સવારે બે-પહિયાવાળા વાહન ચાલકો પટકાતા સ્થિતિ વધુ ગંભીર બનતાં લોકો કોન્ટ્રાક્ટરનું બીલ અટકાવવાની માંગ સાથે ઉગ્ર બન્યા છે.
તકલાદી લેયર, સફાઈ વિના પાથરણાં અને માત્ર છ મહિના પણ ન ટકે તેવી કામગીરીના આક્ષેપ
મીડિયા દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે બે લેયરો યોગ્ય સફાઈ વિના પાથરાયા છે અને અંતિમ લેયર એક ઇંચ જેટલું પણ નથી. ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે કે આ રોડ છ મહિના પણ નથી ટકવાનો. આક્ષેપોની ગંભીરતા વધતાં જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ ત્યારબાદ તેમણે મિડિયાના ફોન સ્વીકારવાનું પણ ટાળ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. અધિકારીઓની ભૂમિકા પ્રશ્નચિહ્ન હેઠળ આવી ગઈ છે.
સરપંચો મૌન કેમ? ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલો અને કોન્ટ્રાક્ટર પર જૂના વિવાદોની ચર્ચા
ત્રણે ગામોની ગ્રામ પંચાયતો — કવિઠા, સામલોદ અને ડભાલી —ના સરપંચો આ મુદ્દે મૌન પાલન કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. કોન્ટ્રાક્ટર રોનક પટેલ અગાઉ પણ ભરૂચ નગર પાલિકાનો એક પ્રોજેક્ટ અધૂરો છોડીને ડિપોઝિટ ગુમાવી ચૂક્યો છે, જેને કારણે લોકો આરોપ મૂકે છે કે આવા કોન્ટ્રાક્ટરને અધિકારીઓ કેમ બચાવે છે. રોનક પટેલે પોતાની સ્પષ્ટતા આપતાં ઓઈલ વપરાશને નકારીને ભારે વાહનોને જવાબદાર ગણાવ્યાં છે.

