Bharuch: GIDC નોટીફાઇડ અને રેસિડેન્સીલ એરિયામાં થયેલા અને કાર્યરત રૂ. 180 કરોડ ઉપરાંતના વિકાસકાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવું અંકલેશ્વરની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વર્ષો જૂની માંગણીઓ, રજૂઆતો સરકાર દ્વારા સંતોષવામાં આવતા 12 વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી ટાણે પત્રકાર પરિષદ યોજાઈ હતી. AIA પ્રમુખ જસુ ચૌધરી સહિત મંડળના હોદ્દેદારોએ અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલા વિકાસના કામો, હાલ પ્રગતિ હેઠળના પ્રોજેક્ટો અને નવા પ્રોજેકટની જાણકારી આપી હતી.
કરોડોના વિકાસ કામોનો ચિતાર રજૂ કરાયો
GIDC ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્સીયલ એરિયામાં રૂ. 67 કરોડના ખર્ચે વીજ કંપની 175 કિમીનું ભૂગર્ભ વીજ કેબલ નેટર્વક લગાવવા જઈ રહ્યું છે. તો સરકારની મંજૂર રૂ. 23 કરોડની ગ્રાન્ટ મળી રૂ. 73 કરોડના ખર્ચે સમગ્ર વસાહત વિસ્તારમાં 129 કિલોમીટરના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જીઆઇડીસી દ્વારા 50 હજાર સ્કવેર મીટરમાં રૂ. 22.67 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગર આકાર પામશે. જીઆઇડીસી અને નોટીફાઇડ દ્વારા 32 જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે સીઓપી બનાવાય રહ્યા છે. જેમાં 24 સી.ઓ.પી.નું કામ પૂર્ણ થયું છે.
આ સાથે જ 1 હજાર ચોરસ મીટરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાણી માટે તળાવને ડિસિલટિંગ કરાતા 220 એમ.એલ.ડી. જથ્થો વધતા હવે 10 દિવસની જગ્યાએ એક મહિના સુધી સ્ટોરેજ થઈ શકશે.
સાથે જ 2.19 કરોડના ખર્ચે 39 લાખ લિતરની નવી ટાંકી બનાવાય રહી છે, જ્યારે રહેણાક વિસ્તારમાં 10 લાખ લિટરની ટાંકી 20 લાખ લિટરનો સંપ કરોડોના ખર્ચે નિર્માણાધીન છે. 1000 ચો.મી.માં રૂ. 1 કરોડના ખર્ચે રાહત દરનું ભોજનાલય બની રહ્યું છે. સ્મશાન માટે પણ ટુંક સમયમાં પ્લોટ ફાળવાશે. રહેણાક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે રૂ. 14.94 કરોડનો કોન્ટ્રાકટ અપાયો છે. સુરક્ષા અને સલામતી માટે પણ જીઆઇડીસીમાં 56 લોકેશન પર 218 કેમેરાની કામગીરી રૂ. 2.54 કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે. આમ સંપન્ન અને કાર્યરત વિવિધ કામોનો ચિતાર આપવામાં આવ્યો હતો.