Bharuch: હાંસોટ અને ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે સંકલન બેઠક યોજાઈ.
- આજે દેશમાં લોકશાહી ખતરામાં છે, લોકશાહી બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધનની રચના થઈ છે: ચૈતર વસાવા
- આ ચૂંટણીમાં ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશની જનતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને જીત અપાવશે: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડી રહ્યા છે.
ચૈતરભાઈ વસાવાએ ‘સ્વાભિમાન યાત્રા’ દ્વારા ભરૂચ લોકસભાના 300 થી વધારે ગામોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ હાલ તેઓ ‘તમારો દીકરો તમારા દ્વાર’ નામના કાર્યક્રમ હેઠળ પોતાના ચૂંટણી પ્રચારને આગળ વધારી રહ્યા છે. હાલ હાંસોટ અને ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનના બેનર હેઠળ ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો સાથે એક સંકલન બેઠક યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલ દેશમાં લોકશાહી બચાવવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડી રહી છે અને લોકો દ્વારા આ ઇન્ડિયા ગઠબંધનને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.
આ સંકલન બેઠકમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,
આજે દેશમાં લોકશાહી ખતરામાં છે. ભાજપ સરકારે ઇડીનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સત્યેન્દ્ર જૈનજીને જેલમાં ધકેલી દીધા છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના પણ બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરીને ભાજપે પોતાની તાનાશાહીનો પરચો બતાવ્યો છે. આપણે બધા લોકોએ સાથે મળીને આ તાનાશાહીને હટાવવા માટે મહેનત કરવાની છે અને આ ચૂંટણી જીતવાની છે. ભાજપે મારા વિરુદ્ધ પણ ખોટા કેસો કરાવીને મને અને મારા ધર્મ પત્નીને જેલમાં મોકલ્યા હતા. પરંતુ હું કે આમ આદમી પાર્ટીના બીજા કોઈપણ રાષ્ટ્રીય નેતાઓ ભાજપની આવી હરકતોથી પરેશાન થવાના નથી અને ભાજપ સામે ઝુકવાના નથી.
દેશમાં લોકશાહી બચાવવા માટે અમારી લડાઈ ચાલુ રહેશે અને અમને પૂરો વિશ્વાસ છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશની જનતા આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને બાકી તમામ સાથી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપશે અને બહુમત આપીને વિજય બનાવશે.