વાલિયા તાલુકાના તુણા ગામ તરફ જવાના માર્ગ પર ઈકો કાર પલ્ટી જતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે અન્ય ત્રણ યુવાનનોને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ગામના બહુમાળી મકાન પાછળ રહેતા જયેશભાઇ રામસીંગ વસાવા પોતાના મિત્ર જીગ્નેશ જગદીશભાઈ વસાવાની ઈક્કો કાર માં સવાર થઈ અન્ય બે મિત્રો સાથે વાલિયાના તુણા ગામે કામ અર્થે જઈ રહ્યા હતા તે વેળા તુણા ગામ તરફ જવાના નાળા પાસે કાર ચાલકનો સ્ટીયરીંગ પર કાબુ ન રહેતા કાર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં જયેશભાઇ વસાવા કાર નીચે દબાઈ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું જયારે કાર ચાલક અને અન્ય યુવાનને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે વાલિયા સામુહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.