પરંપરાગત પાકોથી દૂર થઈ મલ્ચિંગ અને ડ્રીપ ટેકનીકથી ખેડૂતોની સફળતા
ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો પરંપરાગત પાકોથી દૂર થઈ નવીન અને વધુ આવક આપતા પાકો તરફ આગળ વધી રહ્યા છે. મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોને નિયમિત અને યોગ્ય ભાવ ન મળતા, ખેડૂતોને તેમની મહેનતનું પૂરતું મૂલ્ય મળતું નથી. તેથી ઘણા ખેડૂતો હવે શાકભાજી અને બાગાયતી પાકો તરફ વળ્યા છે, જ્યાં ઉત્પાદનનું મૂલ્ય વધારવા સાથે તેનું વિવિધ રીતે વેચાણ કરીને વધુ આવક મેળવી શકાય છે. આ પરિવર્તન ખેડૂતોને આર્થિક સ્થિરતા સાથે નવા માર્ગો શોધવાની તક પણ આપી રહ્યું છે.
તલગાજરડાના મહેન્દ્રસિંહનો મરચાની સફળ ખેતી તરફનો સફર
મહુવા તાલુકાના તલગાજરડા ગામના ખેડૂત વાળા મહેન્દ્રસિંહ અગાઉ મગફળી અને કપાસ જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ સતત યોગ્ય વળતર ન મળતા તેમણે મરચાની ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો. છેલ્લા કેટલાંક વર્ષોથી તેઓ ચારથી વધુ વીઘા જમીનમાં મરચાનું વાવેતર કરી રહ્યા છે અને આ વર્ષ પણ તેમણે એ જ પદ્ધતિને વિસ્તૃત રૂપે અપનાવી છે. શરૂઆતમાં લીલા મરચાનું વેચાણ યાર્ડમાં કરવામાં આવે છે અને બાદમાં બાકીના મરચામાંથી ઉત્તમ ગુણવત્તાવાળો મરચા પાવડર તૈયાર કરીને રાજ્યોના વિવિધ બજારોમાં મોકલવામાં આવે છે, જેથી એક વીઘા દીઠ એક લાખ રૂપિયા સુધીનું સ્વચ્છ ઉત્પાદન મેળવી શકાય છે.

મલ્ચિંગ અને ડ્રીપ ટેકનીકથી મરચાની ઉન્નત ખેતી
મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જણાવે છે કે પરંપરાગત ઢબે ખેતી કરવાથી મજૂરી ખર્ચ, ખાતર ખર્ચ અને નિંદામણની સમસ્યાઓ વધતી જતી હોવાથી તેઓએ મરચા માટે મલ્ચિંગ પદ્ધતિ અપનાવી છે. મલ્ચિંગથી જમીનમાં ભેજ ટકીને રહે છે, નિંદામણનો ખર્ચ ઘટે છે અને છોડની વૃદ્ધિ માટે યોગ્ય પરિસ્થિતિ ઉભી થાય છે. સાથે જ ડ્રીપ પદ્ધતિ મારફતે પોષક તત્વો અને ખાતરનો નિયંત્રિત પ્રમાણમાં પુરવઠો કરવામાં આવે છે, જેથી છોડ સ્વસ્થ રહે અને ઉત્પાદન પણ વધારે મળે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં લીલા મરચાના ભાવ 20 થી 50 રૂપિયા પ્રતિ મણ સુધી મળે છે.

મરચાના પાવડરથી વધારાનો નફો અને ઓછી ખર્ચાળ ખેતી
એક ઉતારો પૂરો થયા પછી આવતા ઉતારામાં મરચા સૂકવીને તેનો પાવડર બનાવવામાં આવે છે, જેનો બજારમાં સારો ભાવ મળે છે. મરચાનો પાવડર તૈયાર કરીને સીધો વિવિધ વેપારીઓને પહોંચાડવાથી ખેડૂતોને વધારાનું મૂલ્ય મળે છે અને વચ્ચેના ખર્ચામાં ઘટાડો થાય છે. જો મરચાના બજાર ભાવ અનુકૂળ રહે તો એક વીઘામાંથી એક લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન સરળતાથી મેળવી શકાય છે. ઓછી મજૂરી, ઓછા ખર્ચ અને ઉંચા ઉત્પાદનને કારણે મરચાની ખેતી આજે ખેડૂતો માટે નફાકારક વિકલ્પ બની રહી છે.

