દસ દિવસથી લાપતા માતા અને બે સંતાનોની દાટી દેવાયેલ લાશો મળી આવતા પોલીસે શરૂ કરી શંકાસ્પદ ACFની શોધ
ભાવનગર શહેરના તળાજા રોડ નજીક આવેલી ફોરેસ્ટ કોલોની અચાનક ચર્ચાનો કેન્દ્ર બની ગઈ હતી, કારણ કે અહીંથી જમીનમાં દાટી દેવાયેલ ત્રણ મૃતદેહો મળ્યા છે. આ ત્રણેય મૃતદેહોની ઓળખ સ્થાનિક ફોરેસ્ટ વિભાગમાં ACF તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને તેમના બે સંતાનો તરીકે થઈ છે. આ ત્રણેય છેલ્લા દસ દિવસથી ગુમ હતા અને પરિવાર દ્વારા ગુમસુદીની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પરંતુ આ ગુમ પરિવારના મૃતદેહો તેમના જ રહેઠાણ વિસ્તારમાં દાટી દેવાયેલા મળતા સમગ્ર શહેરમાં ભય અને ચકચારનું વાતાવરણ ફેલાઈ ગયું છે, જ્યારે પોલીસે આ મામલે અત્યાર સુધીના કેટલાક મહત્વના તારણો જાહેર કર્યા છે.
ગુમસુદાની ફરિયાદથી લઈને શંકાસ્પદ માહિતી સુધીની સમગ્ર કડી
પોલીસને મળેલી માહિતી પ્રમાણે, ACF શૈલેષ ખાંભલા મૂળ સુરતના રહેવાસી છે અને તેમની પત્ની નયનાબેન રબારી બે સંતાનો સાથે દિવાળી વેકેશનમાં ભાવનગર આવ્યા હતા. વેકેશન પૂર્ણ થતાં તેઓ 5 નવેમ્બરે સુરત પરત જવા નીકળ્યા હોવાનું પતિએ ફરિયાદમાં જણાવ્યું હતું. પરંતુ બે દિવસ બાદ પણ તેઓનો કોઈ સંપર્ક ન થતા 7 નવેમ્બરનાં રોજ ગુમસુદાની અરજી દાખલ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા સોશિયલ મીડિયામાં પણ તેમના ફોટા સાથે મદદની અપીલ કરવામાં આવી હતી. છતાં દસ દિવસ સુધી કોઈ પત્તો ન મળતાં આખી ઘટના ગંભીર વળાંક લેતી ગઈ હતી અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ સુધી મામલો પહોંચ્યો હતો.
ખોદકામ અંગેની બાતમીથી પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી
પોલીસ તપાસ દરમિયાન મોબાઇલ ઘરે મુકાયેલા હોવા, સીસીટીવીમાં હિલચાલ ન મળવી અને કોઈ સંબંધીઓ સુધી તેઓ ન પહોંચ્યા હોવા જેવી અનેક બાબતો શંકા વધારતી હતી. આવી સ્થિતિમાં પોલીસને ગઈકાલે એક સ્થાનિક પાસેથી બાતમી મળી કે 5 નવેમ્બરે, એટલે કે ગુમ થયેલા જ દિવસે ACF રહે છે તે કોલોની વિસ્તારમાં કોઈએ શંકાસ્પદ ખોદકામ કર્યું હતું. આ સૂચન પોલીસ માટે સૌથી મહત્વનું કડી સાબિત થયું અને પોલીસે તાત્કાલિક તપાસને નવા દિશામાં આગળ ધપાવી. આજે સવારે SP નિતેશ પાંડે, મેજિસ્ટ્રેટ, FSL ટીમ અને ડોગ સ્કોડની હાજરીમાં ખુદ સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તાર ખોદાવાયો હતો, જ્યાંથી ત્રણેય સભ્યોના મૃતદેહો મળ્યા હતા.
મૃતદેહોની ઓળખ અને હવે આગળની તપાસની દિશા
મૃતદેહો મળ્યા બાદ તેમને ઓળખવા માટે પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા અને તેમણે આ ત્રણેય મૃતદેહોની ઓળખ નયનાબેન, પુત્રી પ્રુથા અને પુત્ર ભવ્ય તરીકે કરી હતી. મૃતદેહો મળતા જ સમગ્ર વિસ્તારમાં આઘાતનો માહોલ છવાઈ ગયો છે અને આ હત્યા પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે અનેક અનુમાનો શરૂ થઈ ગયા છે. હાલમાં ત્રણેયના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યો છે, જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. પોલીસને સૌથી વધુ શંકા નયનાબેનના પતિ અને ACF શૈલેષ ખાંભલા તરફ છે, કારણ કે ઘટના બાદથી તેઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની મોટા પાયે શોધખોળ શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થવાના સંકેતો મળ્યા છે.
ભાવનગરમાં ફોરેસ્ટ કોલોનીમાંથી મળેલા મૃતદેહોનો કેસ રહસ્યોથી ભરેલો
ફોરેસ્ટ કોલોનીમાં જ દસ દિવસથી ગુમ રહેલા પરિવારની લાશો દાટી દેવાયેલી હાલતમાં મળતા આ કેસ માત્ર સ્થાનિક સ્તરનો નથી રહ્યો પરંતુ રાજ્યવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે. ત્રણેયના મોત કેવી પરિસ્થિતિમાં થયા અને આ ઘટનામાં કોણ સંડોવાયેલું હોઈ શકે તે અંગે તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પોલીસ પાસે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં અનેક રહસ્યો ખુલવાની ઘણી શક્યતા છે અને ભાવનગર જિલ્લા પોલીસ પણ આ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીરતા સાથે તપાસી રહી છે.

