ભાવનગર એસ.ટી. સ્ટેન્ડ નજીક આવીને પેસેન્જર લઈ જતા ખાનગી પેસેન્જર વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી આવા ખાનગી વાહનો બસ સ્ટેન્ડ નજીકથી પેસેન્જર લઈ શકતા નહી હોવાથી મીની લકઝરી બસ જેવા વાહનો ને પેસેન્જર ભરવા દેવા અને એસ.ટી. વિભાગ દ્વારા કોઈ ચેકીંગ કરી કનડગત ન થાય તે માટે પ્રાઈવેટ વાહન સંચાલકો પાસેથી દરમહિને રૂા.50,000ની લાંચની માંગણી થતા ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક લાંચના રૂા.50000 લેતા ACB દ્વારા ગોઠવેલા છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
ભાવનગર સેન્ટ્રલ એસ.ટી. સ્ટેન્ડ નજીકથી ખાનગી મીની લકઝરી બસો ભાવનગરથી મહુવા તથા ભાવનગરથી પાલિતાણા જેવા રૂટો પર ઉપડે છે તે ઉપરાંત અન્ય ખાનગી વાહનો પણ આ વિસ્તારમાંથી પેસેન્જરો ભરતા હોય સરકારી બસોની આવક ઉપર અસર થતા અહીંથી ખાનગી વાહનોને પેસેન્જર લેવા પ્રતિબંધ લવાયો હતો.
જોકે,આ ખાનગી વાહનો, બસોને પેસેન્જર ભરીને ઉપાડવામાં એસ.ટી. વિભાગ તરફથી કોઈ કનડગત ન થાય કે એસ.ટી. વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું ચેકીંગ ન થાય અને પોતાની બસો રોકે નહીં તે માટે રાજ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહિને રૂા.50,000ની લાંચની માંગણી ખુદ ભાવનગર એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક (વર્ગ-1) અશોક કેશવલાલ પરમાર એ માંગતા ફરિયાદીએ ભાવનગર એ.સી.બી.માં ફરિયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવી આરોપી અશોક પરમારને રૂા.50000 લાંચના લેતા હાથોહાથ ઝડપી લઈ તેની ધરપકડ કરતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.