ભાવનગર પંથકમાં બે મહિલાઓને કારમાં લિફ્ટ આપી તેઓને ચપ્પુ બતાવી સોનાના દાગીના લૂંટી લેનાર એક મહિલા સહિત ચાર લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી છે ઝડપાયેલા ઈસમો યુ ટ્યૂબ ચેનલ ચલાવી લોકોને મદદ કરવાનું ડીંડક કરી સેવાભાવી લોકો હોવાની ઓળખ આપતા હોવાની વાત સામે આવી છે.
આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા ના રાળગોન ગામે રહેતા નંદુબેન જેરામભાઈ ડાભી (ઉ.વ.60) એ નોંધાવેલી તળાજા પોલીસ મથકમાં ફરિયાદ મુજબ તેઓ ગઈકાલેે સવારે છ વાગે પોતાના ગામના માનકુવરબા સુખદેવસિંહ ગોહિલ સાથે નજીકમાં આવેલ જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે રસોઈ બનાવવા જતા હતા તે સમયે વાહનની રાહ જોતા હતા તે વખતે એક ઇકો કાર નીકળતા તેમાં બેસી ગયા હતા.
કારમાં ચાર વ્યક્તિ હતા.જેમાં એક ચાલક,તેની બાજુમાં મહિલા,એક વચ્ચે ની સીટ મા પુરુષ અને પાછળ ની સીટમાં એક પુરુષ હતો આ ઈસમોએ બાદમાં પોત પ્રકાશ્યુ હતું અને તેઓએ બન્ને મહિલાઓને
છરી બતાવી ને પહેરેલ ઘરેણા સહિત કીમતી વસ્તુ કાઢી આપવાનું જણાવી જાન થી મારી નાખવાની ધમકી આપતા નંદુબેને પહેરેલ સોનાનો વેઢલો અને માનકુવરબા એ પહેરેલ સોનાની બુટ્ટી મળી કુલ 55000/- ની કિંમતના સોનાના ઘરેણા આપી દેતા આ ઈસમોએ લૂંટ કર્યા બાદ બંને મહિલાઓને ઠળિયા ગામ નજીક ઉતારી દીધેલ હતી.
આ અંગે વહેલી સવારે તળાજા પોલીસ મથક ફરિયાદ કરવામાં આવતા તળાજા પોલીસે અજાણ્યા ઇસમે વિરુદ્ધ ગુનો દાખલ કરી જિલ્લામાં પોલીસને એલર્ટ કરી દેતા જિલ્લાભરમાં નાકાબંધી કરી દેતા વરતેજ પોલીસને મહિલા સહિત લૂંટારૂ ગેંગના ચાર સભ્યોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશ નાનજી મકવાણા (ઉ.વ.26), ધંધો ફોટોગ્રાફી મૂળ ગામ મહુવા ની જાદરા હાલ રામપરા રોડ બાપાસીતારામ હોસ્પિટલ ની બાજુમાં તળાજા, અનિલ ભરતભાઈ ભાલીયા ઉ.વ 22 ધંધો ફોટોગ્રાફી રે મોટા જાદરા, તા મહુવા, જાનવી કુંદનભાઈ ચૌહાણ ઉ.વ 22 અભ્યાસ કકઇ મૂળ ગામ વાસી તળાવ લાતી બજાર મહુવા હાલ રામપરા રોડ તળાજા, જ્યારે ચોથો આરોપી માખણીયા ગામના સગીરનો સમાવેશ થાય છે.
ઝડપાયેલા ઈસમો ગુજરાતી કોમેડી ચેનલ ચલાવતા હતા અને એક સામાજિક સંસ્થા પણ ચલાવતા હોવાનું ખુલ્યુ છે.
આ સંસ્થા દ્વારા ગરીબ અને નિરાધાર મહિલાઓને મકાન બનાવી દેવું ભોજન સહિતનું દાન આપવું જેવી માનવીય પ્રવૃત્તિ કરતા હોવાની વાત પોલીસને જણાવી હતી.
આમ,સાધુના વેશમાં શેતાન ઝડપાઇ ગયા હતા.