સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વરસાદ પડવાનું શરૂ છે અને વરસાદી માહોલ યથાવત છે ત્યારે ભાવનગર શહેરમાં દેમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા સતત પોણો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ હતી,શહેરના હજૂર પાયગા રોડ, હાઇકોર્ટ રોડ, નવાપરા સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાણ પાણી ભરાઇ ગયા હતા.
ભાવનગર શહેર ઉપરાંત આજે જેસરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વલ્લભીપુર, સિહોર અને ગારિયાધારમાં અડધો ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો હતો.
પાલિતાણા અને ઘોઘામાં પણ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ સરેરાશ વરસાદ 535 મી.મી. થયો છે જે કુલ વાર્ષિક સરેરાશ વરસાદ 617 મી.મી.ના 87.54 ટકા થાય છે. બોટાદ જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવતા સાંજના સમયે મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થતા માત્ર 1 કલાકમાં બોટાદમાં 2 ઈચ વરસાદ વરસ્યો હતો બોટાદના ગઢડા રોડ ઉપર ગાયને ઈલેક્ટ્રીક શોક લાગતા ગાયુનું કરૂણ મોત થઇ જતા અરેરાટી ફેલાઈ હતી.