ભાવનગર જિલ્લા માં પણ હવે કોરોના નું સંક્રમણ ધીરેધીરે ફેલાઈ રહ્યું છે અને 94 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,712 થઇ ગઈ.છે. જેમાં શહેરી વિસ્તારમાં જ આજે 66 અને તાલુકા ગ્રામ્ય કક્ષાએ નવા 28 પોઝિટિવ કેસ આવ્યા હતા. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7712 થઇ ગઇ છે અને તેની સામે આજ સુધીમાં 6876 દર્દીઓ સાજા થઇ જતાં જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 89.16 ટકા થઇ ગયો છે. સમગ્ર જિલ્લામાં હાલ 760 દર્દીઓ કોરોનની સારવાર લઇ રહ્યાં છે.
ભાવનગર શહેરમાં આજે 66 પોઝિટિવ અને ગ્રામ્યમાં 28 કેસ મળ્યા બાદ આજે શહેર તેમજ મહુવા અને તળાજાની કોરોનાની સારવાર આપતી મુખ્ય-મુખ્ય હોસ્પિટલો ફુલ થઇ ગઇ છે અને હવે દર્દીઓએ બેડ માટે ભટકવાનો વખત આવ્યો છે. શહેર-જિલ્લામાં કુલ 18 ખાનગી હોસ્પિટલો છે અને તેમાં કુલ 477 પૈકી 352 બેડ ભરાઇ ગયા છે. એટલે કે 74 ટકા બેડ ભરાઇ ગયા છે માત્ર 26 ટકા જ ખાલી છે. આમાં પણ 18 પૈકી 11 ખાનગી હોસ્પિટલોમાં તો એક પણ બેડ ખાલી નથી.
એપ્રિલ માસ માં આરંભે પહેલી તારીખે 43 પોઝિટિવ કેસ હતા તે ગઇ કાલે 101 અને આજે 94 મળતા 10 જ દિવસમાં ભાવનગરમાં કોરોનાના પોઝિટિવ કેસ મળવાની ગતિ બમણી થઇ ગઇ છે.ભાવનગરમાં જ 90થી 100 વચ્ચે પોઝિટિવ કેસ મળવા લાગ્યા છે. ભાવનગરમાં કોરોના ની ઝડપ બમણી થઈ છે. જેથી હોસ્પિટલોમાં બેડ ખૂટી રહ્યા છે, કોરોના ની સારવાર માટે વપરાતા રેમડેસિવિરના ઇન્જેકશન પણ મળતા નથી. આથી દર્દીની સાથે તેના સગા સંબંધીઓની પણ દોડધામ વધી ગઇ છે.
આમ ભાવનગર માં પણ કોરોના ની ગતિ જેટ ગતિ થી આગળ વધી રહી છે. દરમિયાનમાં આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરમાં બિમ્સ હોસ્પિટલ, મહાદેવ હોસ્પિટલ અને પુનિત નર્સિંગ હોમમાં કુલ 37 બેડનો વધારો કરાયો હતો.
