ભાવનગર સીજીએસટીની પ્રીવેન્ટિવ ટીમે રૂ. 10.47 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં કુખ્યાત વલી જમાલભાઇ હાલારીની ધરપકડ કરવામાં આવી છે.
જેને આજે મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરી અને તેના રિમાન્ડની માંગણી થનાર હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનુ છે કે ગત તા.13મી જુલાઇના રોજ ભાવનગરના નવાપરાના મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં સીજીએસટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂ.10.47 કરોડના બોગસ બિલિંગની ગેરરીતિ સામે આવી હતી.
દરોડા દરમિયાન વલી હાલારી અને તેના સાગરીતોએ સીજીએસટી ટીમ પર હુમલો કર્યો હતો.
આ હુમલા કેસમાં વલી હાલારીની પોલીસ દ્વારા ગત શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, અને તેને જામીન મળતા જ સીજીએસટી ટીમે પુછપરછ માટે કબજો મેળવ્યો હતો.
અગાઉ સીજીએસટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ફારૂક મનસુરી, તળાજાના વેપારી, વલીના પુત્રના સ્ટેટમેન્ટ અને મળેલા પુરાવાના આધારે સીજીએસટી ટીમે વલી હાલારીની ધરપકડ કરી નિયમ મુજબ મેડિકલ કાર્યવાહી માટે હોસ્પિટલ લઇ જવાતા ત્યાં વલી હાલારીએ મીડિયા સમક્ષ સીજીએસટીએ માર માર્યા હોવાના અને 50 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
બીજી તરફ સીજીએસટીના અધિકારીઓના મતે વલીની પુછપરછ પોલીસની હાજરીમાં કરવામાં આવી હતી, અને તેઓએ કોઇ માર માર્યો નથી તેવું જણાવવામાં આવ્યુ હતુ. સોમવારે મોડીરાત્રે વલી હાલારીને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવનાર હોવાથી સીજીએસટીની ટીમ પોલીસ સાથે કબજો લેવા પહોંચી હતી અને સંભવત: આજે મંગળવારે વલી હાલારીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.