રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. ભાવનગરના કાર્યક્રમમાં જીતુ વાઘાણી દ્વારા રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરાતા ભારે વિવાદ થઈ રહ્યો છે. પ્રથમ રાષ્ટ્ર ધ્વજને ઉંધો ફરકાવાયા બાદ પછી તેને સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વજના રંગમાં લોકો થાપ ખાઈ જાય છે. કેસરી રંગ ઉપર રહેવો જોઈએ તેના બદલે લીલો રંગ ઉપર રાખવાની કેટલીક ઘટનાઓ બની રહી છે. ભાજપના નેતાઓની હાજરીમાં આવી અનેક ઘટનાઓ બની છે. ધ્વજ સંહિતા પ્રમાણે રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.
વાયબ્રંટમાં ઊંધો ધ્વજ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 યોજાઈ તે વેળાએ સમિટના ઉન્માદમાં દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સરખેજ હાઇવે પર સરગાસણ ચોકડી પાસે 16 જાન્યુઆરીએ લગાવવામાં આવેલા રાષ્ટ્રધ્વજમાં ભારતનો તિરંગો ઊંધો લગાવ્યો હતો.
ભાજપની રેલીમાં રાષ્ટ્રધ્વજ ઉંધો દર્શાવાતા FIR થઈ
જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં ભાજપના વરિષ્ઠ નેતા રાજીવ જસરોતિયા દ્વારા યોજવામાં આવેલી એક રેલીમાં 29 સપ્ટેમ્બર 2018માં ભારતીય રાષ્ટ્રધ્વજ ઉંધો દર્શાવવામાં આવતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુરતમાં શાળા સામે ફરિયાદ
પ્રજાસત્તાક દિવસે 2016માં સુરતના ચોક બાજારમાં આવેલી આઇ.પી. મિશન હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતાં એક નાગરીકનું ધ્યાન દોરતાં તેમણે સ્કૂલ સંચાલકોનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ બરોબર ફરકાવડાવ્યો હતો. ફરકાવતા સંસ્થા વિરુધ પોલીસ ફરિયાદ નોધાયેલી છે.
કચ્છમાં મોટરબાઈક પર ઊંધો ધ્વજ રાખતાં પોલીસ ફરિયાદ
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કચ્છના ગાંધીધામના લીલાશાહનગર વિસ્તારમાં રહેનાર નિખિલ હરીશકુમાર ભાવનાની વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે આજે ફરિયાદ નોંધાઇ હતી. આ યુવાન આદિપુરના કોલેજ સર્કલ પાસે ઊભો હતો, તેણે તેની બાઇકમાં સુઝુકી કંપનીના લોગોવાળો ધ્વજ તથા ભારતનો અડધી કાઠીએ ઊંધી હાલતમાં રાષ્ટ્રધ્વજ લગાડયો હતો. રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આ યુવાન વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1972ની કલમ 2 મુજબ ગુનો નોંધી તેની અટક કરવામાં આવી હતી.
હાર્દિક પટેલે રાષ્ટ્ર ધ્વજ ઉંધો પકડતા ફરીયાદ કરાઈ હતી
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે 2016માં કાર પર ઉભા રહીને રાષ્ટ્ર ધ્વજ ઉંધો પકડતા તેની સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી પરંતુ બાદમાં ફરીયાદ પાછી ખેંચવામાં આવી હતી.