શું ગૂગલ, મેટા અને એનવીડિયા ગળાડૂબ દેવામાં ડૂબી રહ્યા છે? રોકાણકારો માટે રેડ એલર્ટ
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજીની ક્રાંતિ માત્ર શેરબજારના આસમાને આંબતા મૂલ્યાંકન (Stock Valuations) અને કંપનીઓની તિજોરીમાં પડેલી અઢળક રોકડના જોરે ચાલી રહી છે. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. અમેરિકાની જાયન્ટ ટેક્નોલોજી કંપનીઓ આ સુપરકોમ્પ્યુટિંગના યુગમાં ટકી રહેવા માટે અને ડેટા સેન્ટર્સ, એડવાન્સ ચિપ્સ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે માર્કેટમાંથી મોટા પાયે દેવું (Debt) એટલે કે લોન લઈ રહી છે. વર્ષ 2026માં આ ટ્રેન્ડે જે ગતિ પકડી છે, તેનાથી હવે ક્રેડિટ માર્કેટ્સ અને મોટા રોકાણકારો પણ ચોંકી ઉઠ્યા છે.

વિશ્વની સૌથી મોટી સાત ટેક કંપનીઓ, જેને સામાન્ય રીતે ‘મેગ્નિફિસિયન્ટ સેવન’ (Magnificent Seven) કહેવામાં આવે છે, તેમનું કુલ દેવું હવે $600 બિલિયન (અંદાજે 50 લાખ કરોડ રૂપિયાથી વધુ) ને પાર કરી ગયું છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર 2026ના શરૂઆતના મહિનાઓમાં જ આ બિગ ટેક કંપનીઓએ આશરે $200 બિલિયનના કોર્પોરેટ બોન્ડ્સ બહાર પાડીને નવું દેવું કર્યું છે, જે વર્ષ 2025ના આખા વર્ષ દરમિયાન લેવાયેલા દેવા કરતાં બમણું છે.
ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ (CDS) માં ઉછાળો: જોખમના સંકેતો?
જેમ જેમ દેવું વધી રહ્યું છે, તેમ તેમ બજારમાં આ કંપનીઓની ક્રેડિટ પ્રોફાઇલને લઈને ચિંતા પણ વધી રહી છે. તાજેતરના નાણાકીય ડેટા (S&P Global Market Intelligence) દર્શાવે છે કે આ ટેક કંપનીઓના 5-વર્ષના ક્રેડિટ ડિફોલ્ટ સ્વેપ (CDS) સ્પ્રેડમાં મોટો ઉછાળો આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, CDS એક પ્રકારનો વીમો (Insurance) છે જે કંપની લોન ન ચૂકવી શકે (Default થાય) તેવા સંજોગોમાં રોકાણકારોને રક્ષણ આપે છે. જ્યારે આ વીમાનું પ્રીમિયમ મોંઘું થાય, ત્યારે તેનો અર્થ એ થાય કે બજાર હવે તે કંપનીને લોન આપવામાં થોડું વધુ જોખમ જોઈ રહ્યું છે.
આનો અર્થ એ બિલકુલ નથી કે આ દિગ્ગજ કંપનીઓ નાદાર થઈ જશે. પરંતુ એ ચોક્કસ દર્શાવે છે કે રોકાણકારો હવે આ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં ભવિષ્યમાં આવી શકનારા સંભવિત ઘટાડા સામે પોતાની જાતને સુરક્ષિત કરવા માટે વધુ કિંમત ચૂકવી રહ્યા છે. ખાસ કરીને ઓરેકલ, બ્રોડકોમ, મેટા અને એનવીડિયા જેવી કંપનીઓના ક્રેડિટ રિસ્કમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.
કઈ કંપની પર કેટલું દબાણ? ઓરેકલ સૌથી આગળ
આ દેવાના અતિરેકમાં હાલમાં ઓરેકલ (Oracle) સૌથી મોટો ફ્લેશપોઈન્ટ બનીને ઉભરી આવી છે. આ વર્ષે ઓરેકલનો 5-વર્ષનો CDS 70 બેસિસ પોઈન્ટ વધીને 215 બેસિસ પોઈન્ટની આસપાસ પહોંચી ગયો છે, જે તમામ મોટી ટેક કંપનીઓમાં સૌથી મોટો ઉછાળો છે.
બીજા નંબરે બ્રોડકોમ (Broadcom) છે, જેના ગ્રાફમાં 48 બેસિસ પોઈન્ટની વૃદ્ધિ થઈ છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટા (Meta) નો CDS પણ 39 બેસિસ પોઈન્ટ વધીને 95 બેસિસ પોઈન્ટ પર પહોંચ્યો છે, જે ઓક્ટોબર 2025માં તેનું ટ્રેડિંગ શરૂ થયા પછીનું સર્વોચ્ચ સ્તર છે. આ સિવાય AI ચિપ્સની કિંગ ગણાતી એનવીડિયા (Nvidia) નો CDS 32 બેસિસ પોઈન્ટ વધીને 82 બેસિસ પોઈન્ટ થયો છે. એમેઝોન અને આલ્ફાબેટ (ગુગલ) પણ આ ટ્રેન્ડમાંથી બાકાત નથી, તેમના સ્પ્રેડમાં પણ અનુક્રમે 30 અને 29 બેસિસ પોઈન્ટનો વધારો નોંધાયો છે.

AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બિલ કેમ આટલું મોટું થઈ રહ્યું છે?
આ આખી ચિંતાના મૂળમાં એ ખર્ચ (Capital Expenditure) છે, જે AI મોડલ્સને ચલાવવા માટે જરૂરી છે. આજે ‘હાઈપરસ્કેલર્સ’ (મોટા ડેટા સેન્ટર ઓપરેટર્સ) વચ્ચે આંધળી દોડ શરૂ થઈ છે. સુપર-ફાસ્ટ AI મોડલ્સને ટ્રેન કરવા માટે વિશાળ ગ્રીડ, હજારો હાઈ-એન્ડ ગ્રાફિક્સ કાર્ડ્સ (GPUs), અબજો લિટર પાણીની કૂલિંગ સિસ્ટમ્સ અને અવિરત વીજળી સપ્લાયની જરૂર પડે છે.
ગૌડમેન સૅક્સ (Goldman Sachs Research) ના અહેવાલ મુજબ, વર્ષ 2026 માં અત્યાર સુધીમાં અંદાજે $500 બિલિયન જેટલું દેવું માત્ર ને માત્ર AI સંબંધિત પ્રોજેક્ટ્સ માટે જ લેવામાં આવ્યું છે. આ આંકડો સાબિત કરે છે કે ક્રેડિટ માર્કેટ અને ગ્લોબલ ટેક્નોલોજી હવે એકબીજા સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાઈ ગયા છે. વર્ષોથી આ કંપનીઓ પોતાના કમાયેલા નફામાંથી જ નવું રોકાણ કરતી હતી, પણ હવે પ્રોજેક્ટ્સ એટલા મોટા અને ખર્ચાળ છે કે તેમણે ફરજિયાતપણે બોન્ડ માર્કેટ અને બેંકો પાસેથી લોન લેવી પડી રહી છે.
રોકાણકારો કેમ સાવધ બન્યા છે?
મુખ્ય જોખમ માત્ર દેવાના આંકડાનું નથી, પરંતુ તેની પાછળ છુપાયેલી અનિશ્ચિતતાનું છે. રોકાણકારો અને બજાર વિશ્લેષકોના મનમાં અત્યારે એક જ મોટો પ્રશ્ન ભમતો રહે છે: આજે જે અબજો ડોલરનું આંધળું રોકાણ થઈ રહ્યું છે, તે ખરેખર ક્યારે નફામાં અને વાસ્તવિક રેવન્યુ (Revenue) માં રૂપાંતરિત થશે?
ટેક કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અતિશય લેવરેજ (દેવું) લઈ રહી છે, પરંતુ તેની સામે AI સેવાઓમાંથી થતી કમાણી હજુ પણ પ્રાથમિક તબક્કામાં છે. જો આગામી સમયમાં AI મોડલ્સ ધાર્યા મુજબ વળતર (ROI) આપવામાં નિષ્ફળ જશે, તો આ અબજો ડોલરનું દેવું આખી ગ્લોબલ ટેક ઇકોનોમી માટે એક મોટો બોજ બની શકે છે. આથી જ, શેરબજાર ભલે આ કંપનીઓના વખાણ કરતું હોય, પણ ક્રેડિટ માર્કેટના સમજદાર ખેલાડીઓ હવે સાવચેતીપૂર્વક ડગલાં માંડી રહ્યા છે.