બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયેલી એક્શન ડ્રામાનો OTT પર દબદબો: બે મહિના બાદ ઓનલાઈન સ્ટ્રીમ થઈ આ ફિલ્મ
નવું અઠવાડિયું અને નવી ફિલ્મો… OTT પ્લેટફોર્મ પર ફરી એકવાર નવી ફિલ્મોની વણઝાર જોવા મળી રહી છે. આ અઠવાડિયે એક એવી ફિલ્મની એન્ટ્રી થઈ છે, જેની છેલ્લા બે મહિનાથી રાહ જોવાઈ રહી હતી. આ એક પાવર-પેક્ડ એક્શન ડ્રામા છે જે અગાઉ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ભલે બોક્સ ઓફિસ પર તેને આર્થિક રીતે મોટી સફળતા ન મળી હોય, પરંતુ વિવેચકો દ્વારા તેને ખૂબ જ પ્રશંસા મળી છે. ખાસ કરીને ડેબ્યુ એક્ટર અને દિગ્ગજ અભિનેતાની જુગલબંધીએ લોકોના દિલ જીત્યા છે.
સત્ય ઘટના પર આધારિત ભાવુક કરી દેતી વાર્તા
અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ઇક્કીસ’ (Ikkis). જેમાં અગસ્ત્ય નંદા અને દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે. શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલી આ વૉર ડ્રામા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના જીવન પર આધારિત છે. અરુણ ખેત્રપાલ માત્ર 21 વર્ષની વયે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં દેશ માટે શહીદ થયા હતા. ફિલ્મમાં તેમની દેશભક્તિ, કુરબાની અને અંગત જીવનની સુંદર ઝલક જોવા મળે છે.
તારાઓથી મઢેલી સ્ટાર કાસ્ટ
આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની સાથે અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ જોવા મળે છે. જેમાં અક્ષય કુમારની ભાણી સિમરન ભાટિયા, જયદીપ અહલાવત, જિતેન્દ્ર સિંહ, સુહાસિની મુલે, સિકંદર ખેર, રાહુલ દેવ અને વિવાન શાહ જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. દરેક કલાકારના અભિનયના સોશિયલ મીડિયા પર વખાણ થયા છે.
બોક્સ ઓફિસ પર કેવું રહ્યું પ્રદર્શન?
‘ઇક્કીસ’ ફિલ્મ પહેલા 25 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં તેને 1 જાન્યુઆરી, 2026 ના રોજ મોટા પડદે રજૂ કરવામાં આવી હતી. ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી પોઝિટિવ રિવ્યુ મળ્યા હોવા છતાં, તે ટિકિટ બારી પર કમાણી કરવામાં પાછળ રહી ગઈ. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, આ ફિલ્મે વિશ્વભરમાં માત્ર 36 કરોડ રૂપિયાની આસપાસનું જ કલેક્શન કર્યું હતું.
હવે કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે?
જો તમે આ દેશભક્તિથી ભરપૂર ફિલ્મ થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હોવ, તો હવે તમારા માટે સારા સમાચાર છે. લગભગ બે મહિના પછી આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ ગઈ છે. તમે આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video) પર ઘરે બેઠા માણી શકો છો.

