ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યુ છે જે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં આજે 19 ફેબ્રુઆરીના રોજ 266 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,66,563 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 277 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,60,475 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 97.72 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટતા એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે ઘટીને 1,684 થઇ ગઇ છે, જેમાંથી હાલમાં 301 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે આઠ જિલ્લામાં એક નવો કોરોના કેસ નોંધાયો છે. જેમાં અરવલ્લી, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે અને આજે ત્યાં એક પણ નવો કોરોના સંક્રમણનો કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થયુ અને તે પણ અમદાવાદમાં. આ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 4404 લોકોને ભરખી ગયો છે.
ગુજરાતમાં આજે 1,235 કોરોના વોરિયર્સને રસી મૂકાઇ
આજે રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ લોકોને રસી મૂકવામાં આવી છે. ગુજરાત સહિત દેશમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આજે રાજ્યમાં 315 રસીકરણ કેન્દ્રો પર 1,235 કોરોના વોરિયર્સને રસી મૂકવામાં આવી છે. 16 જાન્યુઆરીથી આજ દિન સુધીમાં ગુજરાતમાં કુલ 8,09,893 કોરોના વોરિયર્સને વેક્સીન મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વેક્સીન મૂકાયા બાદ કોઇને આડઅસર કે ગંભીર સમસ્યા થઇ હોય તેવી એક પણ ઘટના બની નથી.