આખરે રાજ્યમાં ભારે વિરોધ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તા.15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આજે સવારે આ નિર્ણય કર્યો છે.
વિગતો મુજબ રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે જે હવે આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.
મહત્વનું છે કે ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવાનો સરકારે 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડી જંત્રીનો દર બમણો કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ દર તારીખ 5 ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સરકારના આ નિર્ણયને પગલે બિલ્ડર લોબીમાં અસંતોષ જોવા મળ્યો હતો અને વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવારના રોજ બેઠક પણ થઈ હતી.
એટલુજ નહિ પણ ગત રોજ રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા સ્તરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સાથેજ સુપ્રિટેન્ડેન્ટ સ્ટેમ્પ ડ્યુટી સાથે મુખ્યમંત્રીએ ગત રોજ બેઠક કરી જંત્રીના દર અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે મુખ્યમંત્રી એ હાલ પૂરતો જંત્રી દરના વધારાનો અમલ મોકૂફ રાખી આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.