કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી વડોદરાની MS યુનિવર્સિટીમાં BA, B.com, BBA, BCA, LLB અને BSCમાં હવેથી 4 વર્ષનો અભ્યાસક્રમ થઈ જશે.
નવી શિક્ષણ નીતિ મુજબ આ અભ્યાસક્રમમાં મલ્ટિપલ એક્ઝિટની સુવિધા છે.
જો વિદ્યાર્થી 1 વર્ષ પૂરું કરે તો તેને તે કોર્ષનું વિશેષ સર્ટિફિકેટ આપવામાં આવશે.
2 વર્ષનો અભ્યાસ પૂર્ણ થાય અને કોર્સમાંથી એક્ઝિટ કરે તો તેને ડિપ્લોમા, 3 વર્ષ પુરા થાય અને વિદ્યાર્થી કોર્સ છોડી દે તો તેને સ્નાતકની ડિગ્રી આપવામાં આવશે.
જ્યારે 4 વર્ષ પૂરા થશે ત્યારે વિદ્યાર્થીઓને ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને એક મોટો ફાયદો એ થશે કે 4 વર્ષમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ 1 વર્ષનો થઈ જશે.
રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો જૂન મહિનાથી તમામ યુનિવર્સિટીઓમાં અમલ શરુ થઈ જશે.
ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ યુનિવર્સિટીઓમાં BA, BCom, BSc, BCA, BBA અને LLB જેવા UGના 6 કોર્સ 4 વર્ષના થશે.
આ ઉપરાંત PG એટલે કે અનુસ્નાતકના કોર્સ 2 વર્ષની જગ્યાએ એક વર્ષનો થશે. આનાથી વિદ્યાર્થીઓને PG સુધીના અભ્યાસક્રમનો સમયગાળો તો 5 વર્ષનો જ રહેશે, પરંતુ ગ્રેજ્યુએશન 4 વર્ષમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન તેના 1 વર્ષમાં જ પૂરું થઈ જશે.
આ સાથેજ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં કોલેજની અવધિ 4 વર્ષની થઈ જશે જેમાં ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત સરદાર પટેલ (વી.વી.) યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી, વીર નર્મદ દ.ગુ. યુનિવર્સિટી, ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી તથા M.S. યુનિવર્સિટીમાં એડમિશન લેશે તેમણે 4 વર્ષ ભણવાનું રહેશે.
4 વર્ષ પૂર્ણ થયા બાદ તેમને ગ્રેજ્યુએશનના સ્થાને ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. આ તમામ કોર્ષની ફીમાં કોઈ ફેરફાર નહીં થાય અને 6ની જગ્યાએ 8 સેમેસ્ટર ભણવાના રહેશે.