ગાંધીનગરઃ અમદાવાદઃ ગુજરાત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા સરકાર એ મોટો નિર્ણય લીધો છે. આજે રાજ્ય સરકારે મુખ્ય ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લંબાવ્યો છે. આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુનો છેલ્લો દિવસ હતો. જો કે કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે ઉપરોક્ત ચાર મુખ્ય મહાનગરોમાં રાત્રી કરફ્યુ 15 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ અમદાવાદમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. નોંધનિય છે કે, રાજ્યના ચાર મુખ્ય મહાનગરોમાં દિવાળી બાદ જ રાત્રી કરફ્યુ લાગુ કરાયુ અને ત્યારબાદથી સતત લંબાવવામાં આવી રહ્યુ છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે હવે મોતનો આંકડો પણ ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ મંગળવારના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.