T20 વર્લ્ડ કપ 2026: ઇતિહાસ રચવાની ઉંબરે જસપ્રીત બુમરાહ, માત્ર 3 વિકેટ લેતા જ ‘એલિટ ગ્રુપ’માં થશે એન્ટ્રી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અત્યારે ફોર્મમાં છે અને ઝિમ્બાબ્વે સામેની આગામી મેચમાં તે એક નવો ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. સુપર-8 રાઉન્ડની આ મહત્વની મેચમાં જો બુમરાહ 3 વિકેટ ઝડપવામાં સફળ રહે છે, તો તે ક્રિકેટ જગતની એક ખાસ ક્લબમાં સામેલ થઈ જશે. ચાહકોની નજર બુમરાહના પ્રદર્શન પર ટકેલી છે, કારણ કે ભારત માટે આ જીત અત્યંત અનિવાર્ય છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટનો આંકડો
જસપ્રીત બુમરાહ ઝિમ્બાબ્વે સામે 3 વિકેટ લેતાની સાથે જ તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 500 વિકેટ પૂર્ણ કરી લેશે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો માત્ર 8મો બોલર બનશે. અત્યાર સુધી રમાયેલી 232 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 20.56ની શાનદાર સરેરાશથી 497 વિકેટ પોતાના નામે કરી છે. બુમરાહે અત્યાર સુધી ટેસ્ટમાં 234 વિકેટ, વનડેમાં 149 વિકેટ અને T20 ઇન્ટરનેશનલમાં 114 વિકેટો ઝડપી છે.
ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપમાં સર્વોચ્ચ સ્થાન
દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં ભારતની હાર થઈ હોવા છતાં બુમરાહે પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે જ તેણે આર. અશ્વિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને તે હવે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ (33 વિકેટ) લેનાર બોલર બની ગયો છે. ચાલુ ટૂર્નામેન્ટમાં પણ તે 4 મેચમાં 7 વિકેટ ઝડપી ચૂક્યો છે.
The GOAT Jasprit Bumrah 🐐🔥🫡 pic.twitter.com/Y0NrrDyewp
— RVCJ Media (@RVCJ_FB) February 22, 2026
ઝિમ્બાબ્વે સામેની મેચ ભારત માટે કેમ મહત્વની?
દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારત અત્યારે દબાણમાં છે. જો ટીમ ઇન્ડિયાને સેમીફાઈનલની રેસમાં ટકી રહેવું હોય, તો ઝિમ્બાબ્વે સામેની જીત અત્યંત જરૂરી છે. જો આ મેચમાં હાર થશે તો ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે. આવી સ્થિતિમાં બુમરાહની આક્રમક બોલિંગ ભારત માટે મેચ વિનિંગ સાબિત થઈ શકે છે.
