જ્યારથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની નોટો પાછી ખેંચી લેવાનું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો રોકડ એટલે કે રૂ. 2000ની નોટો લઈને સોનું ખરીદવા ઉમટી પડ્યા હતા. આ પછી લોકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે આઈડી પ્રૂફ/પાન કાર્ડ વગર વ્યક્તિ કાયદેસર રીતે કેટલું સોનું ખરીદી શકે છે? શું પાન કાર્ડ આપ્યા પછી પણ રોકડમાં ખરીદી શકાય તેવા સોનાના જથ્થા પર કોઈ મર્યાદા છે?
સરકારે નિયમો કડક કર્યા
સરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ રોકડમાંથી સોનું ખરીદવા માટે જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે નિયમો કડક બનાવ્યા છે. આ સંદર્ભમાં, સરકાર દ્વારા 28 ડિસેમ્બર, 2020 ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સોનું ખરીદવા માટે રિપોર્ટિંગ સંસ્થાઓ પણ બનાવવામાં આવી છે. જેના માટે તેમણે KYC નોર્મ્સ ફોલો કરવાની જરૂર છે.સરળ ભાષામાં કહીએ તો, જો કોઈ વ્યક્તિ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું ખરીદે છે, તો તેણે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરવું પડશે. 10 લાખ રૂપિયાથી વધુનું સોનું ખરીદનારાઓએ તેમના દસ્તાવેજો સાથે સરકારને જાણ કરવી ફરજિયાત છે.
આવકવેરા કાયદા હેઠળ રોકડ વ્યવહાર મર્યાદા
આવકવેરા કાયદા હેઠળ એક મર્યાદાથી વધુ રોકડ વ્યવહારો કરવા ગેરકાયદેસર છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 269ST મુજબ, વ્યક્તિ એક દિવસમાં કુલ રૂ. 2 લાખથી વધુની રોકડ વ્યવહારો કરી શકતી નથી. એટલે કે, જો તમે એક જ દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના રોકડમાં ખરીદો છો, તો તમે આવકવેરા કાયદાનું ઉલ્લંઘન કરશો. આ કિસ્સામાં, આવકવેરા કાયદાની કલમ 271D અનુસાર, તમારે દંડ ચૂકવવો પડશે.
2 લાખથી વધુની સોનાની જ્વેલરી ખરીદવા માટે પાન/આધાર ફરજિયાત
1962ના આવકવેરા નિયમો હેઠળ, તમારી પાસે 2 લાખ રૂપિયા અને તેનાથી વધુનું સોનું ખરીદવા માટે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ હોવું આવશ્યક છે. એટલા માટે કોઈપણ વ્યક્તિ જે 2000 રૂપિયાની નોટના બદલામાં સોનું ખરીદવા જઈ રહ્યો છે તે માત્ર 2 લાખ રૂપિયા સુધીનું સોનું રોકડમાં જ ખરીદી શકે છે.