Vistara
Vistara News Update: વિસ્તારાએ છેલ્લા બે દિવસમાં 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે. DGCAએ વિસ્તારાને ફ્લાઇટમાં વિલંબ અને કેન્સલેશન વિશેની માહિતી દૈનિક ધોરણે શેર કરવા જણાવ્યું છે.
Vistara Update: વિસ્તારા અને તેના મુસાફરોની મુશ્કેલીઓ બુધવાર, 3 એપ્રિલ, 2024 ના રોજ ચાલુ રહી. વિસ્તારાએ 3 એપ્રિલે કુલ 26 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. ક્રૂ અને પાયલોટના અભાવને કારણે એરલાઈને આ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે. બુધવારે વિસ્તારાના ટોચના અધિકારીઓએ આ સંકટના ઉકેલ માટે પાઇલોટ્સ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નવા કોન્ટ્રાક્ટ અને રોસ્ટરિંગ મુદ્દે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટાટા ગ્રૂપની એરલાઈન વિસ્તારાની ફ્લાઈટ્સ રદ કરવાની પ્રક્રિયા બુધવારે પણ ચાલુ રહી હતી. અને આજે એરલાઈન્સે 26 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. વિસ્તારાના ઘણા પાઇલોટ્સ સુધારેલા પગાર માળખાના વિરોધમાં માંદગીનું કારણ આપીને રજા પર ગયા છે. છેલ્લા બે દિવસમાં વિસ્તારાએ 100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. રેગ્યુલેટર ડીજીસીએએ વિસ્તારાને દૈનિક ધોરણે ફ્લાઇટ વિલંબ અને કેન્સલેશન વિશેની માહિતી શેર કરવા જણાવ્યું છે.
વિસ્તારાના સીઇઓ વિનોદ કન્નન પાઇલોટ્સ સાથે વર્ચ્યુઅલ રીતે બેઠા અને તેમની સમસ્યાઓ અને માંગણીઓ વિશે ચર્ચા કરી. આ બેઠકમાં માનવ સંસાધન વિભાગની સાથે અન્ય વિભાગોના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક અંગે વિસ્તારા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ ઓપરેશનની સ્થિતિ હવે સામાન્ય થવા લાગી છે અને રદ કરવામાં આવતી ફ્લાઇટ્સની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો છે. રોસ્ટરિંગ અને લાંબા કામના કલાકો અંગે, એરલાઇન અધિકારીઓએ પાઇલોટ્સને ખાતરી આપી છે કે મે મહિના સુધીમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.
વિસ્તારા એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે જેમાં 1000 પાઈલટ છે જેમાંથી લગભગ 200 વિવિધ સ્તરે તાલીમ લઈ રહ્યા છે. 31 માર્ચથી શરૂ થયેલા ઉનાળાના સમયપત્રકમાં, એરલાઇન્સે દરરોજ 300 ફ્લાઇટ્સ ઉડાવવાની હતી.