Auto Sales: માંગમાં વધારો અને બજારમાં ઉપલબ્ધ અભૂતપૂર્વ ડિસ્કાઉન્ટને કારણે, પેસેન્જર વાહનોના વેચાણમાં મંદી બાદ ફરી વેગ મળ્યો
Auto Sales: આ વર્ષે 42 દિવસના તહેવારોના સમયગાળા દરમિયાન દેશમાં વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 42,88,248 યુનિટ થયું છે. ડીલર્સના સંગઠન FADAએ શુક્રવારે આ જાણકારી આપી. ગયા વર્ષે આ તહેવારના સમયગાળામાં 38,37,040 વાહનો નોંધાયા હતા. ફેડરેશન ઓફ વ્હીકલ ડીલર એસોસિએશન (FADA)ના પ્રમુખ સી.એસ. વિગ્નેશ્વરે કહ્યું, “નવરાત્રિની શરૂઆતથી, અમે નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે જે અમારા અનુમાનિત લક્ષ્યની નજીક આવી રહી છે. આ સમયગાળા દરમિયાન 42.88 લાખ વાહનો નોંધાયા હતા, જે ગયા વર્ષના 38.37 લાખ વાહનો કરતાં 11.76 ટકા વધુ છે.
6,03,009 પેસેન્જર વાહનો વેચાયા
આ વર્ષે તહેવારોના સમયગાળા દરમિયાન પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ સાત ટકા વધીને 6,03,009 યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 5,63,059 યુનિટ હતો. વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે માંગમાં વધારો અને બજારમાં ઉપલબ્ધ અભૂતપૂર્વ ડિસ્કાઉન્ટને કારણે મંદી પછી પેસેન્જર વાહનોના વેચાણમાં પુનઃસજીવન થયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 42 દિવસના સમયગાળામાં ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન 14 ટકા વધીને 33,11,325 યુનિટ થયું છે. વિઘ્નેશ્વરે જણાવ્યું હતું કે મજબૂત ગ્રામીણ માંગ મુખ્યત્વે ટુ-વ્હીલરના વેચાણમાં ફાળો આપે છે. આ સમયગાળા દરમિયાન કોમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ વાર્ષિક ધોરણે એક ટકા વધીને 1,28,738 યુનિટ થયું હતું. બીજી તરફ થ્રી-વ્હીલરનું વેચાણ સાત ટકા વધીને 1,59,960 યુનિટ થયું છે. જોકે, ટ્રેક્ટરનું વેચાણ વાર્ષિક ધોરણે બે ટકા ઘટીને 85,216 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 86,640 યુનિટ હતું. FADAએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 1,430 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO)માંથી 1,368 ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.
ઑક્ટોબરમાં ઑટો વેચાણ
માત્ર ઓક્ટોબરની વાત કરીએ તો વાર્ષિક ધોરણે પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ નજીવું વધીને 3,93,238 યુનિટ થયું છે. ઉદ્યોગ સંગઠન સિયામે બુધવારે આ માહિતી આપી હતી. ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ 3,89,714 યુનિટ હતું. ગયા મહિને ટુ-વ્હીલરનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 21,64,276 યુનિટ થયું હતું, એમ સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ એક નિવેદનમાં જણાવ્યું હતું. જ્યારે ઓક્ટોબર 2023માં તે 18,95,799 યુનિટ હતું. ઓક્ટોબરમાં સ્કૂટરનું વેચાણ 22 ટકા વધીને 7,21,200 યુનિટ થયું છે.