Haldiram
Haldiram: ભારતની પ્રખ્યાત નમકીન અને સ્નેક્સ મેન્યુફેક્ચરિંગ કંપની હલ્દીરામ ટૂંક સમયમાં વેચાઈ શકે છે. બ્લેકસ્ટોનની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે કંપનીમાં 75 ટકા હિસ્સો ખરીદવા માટે બિડ કરી છે. બ્લેકસ્ટોન ઉપરાંત અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપોર સ્ટેટ ફંડ જીઆઈસી પણ આ કન્સોર્ટિયમમાં સામેલ છે. હલ્દીરામના નાસ્તાના વ્યવસાયનું મૂલ્ય $8.5 બિલિયન આંકવામાં આવ્યું છે.
હલ્દીરામની માલિકી કન્સોર્ટિયમ પાસે આવશે
ઇકોનોમિક ટાઇમ્સે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે આ કન્સોર્ટિયમે તેની બિડ સબમિટ કરી છે. હલ્દીરામ દેશની પ્રખ્યાત બ્રાન્ડ છે. દેશની બહાર તેની 150 થી વધુ રેસ્ટોરાં છે. આમાં સ્થાનિક ભોજન, મીઠાઈઓ અને ઘણી વિદેશી વાનગીઓ પણ ઉપલબ્ધ છે. સૂત્રોએ દાવો કર્યો છે કે વાતચીત હજુ પ્રાથમિક તબક્કે છે. જો આ સોદો પાર પડશે તો હલ્દીરામના માલિકી હક્કો બ્લેકસ્ટોનની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમને જશે. જોકે, બ્લેકસ્ટોન, અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સિંગાપોર સ્ટેટ ફંડ જીઆઈસી સહિત હલ્દીરામના સીઈઓ ક્રિષ્ના ચુટાનીએ હાલમાં આ સોદા અંગે ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.
ટાટા ગ્રૂપે ગયા વર્ષે ખરીદવાનો પ્રયાસ કર્યો હતો
ગયા વર્ષે રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટાટા જૂથ હલ્દીરામને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે સમયે કંપનીના વ્યવસાયનું મૂલ્યાંકન $10 બિલિયન આંકવામાં આવ્યું હતું. હવે બ્લેકસ્ટોનની આગેવાની હેઠળના કન્સોર્ટિયમે હલ્દીરામનું બિઝનેસ વેલ્યુએશન $8.5 બિલિયન (લગભગ રૂ. 70 હજાર કરોડ) રાખ્યું છે, જે ટાટા ગ્રુપ કરતાં ઓછું છે.
નાગપુર અને દિલ્હીના બિઝનેસને મર્જ કરવા પડશે
રિપોર્ટ અનુસાર, આ ડીલમાં એક શરત રાખવામાં આવી છે કે હલ્દીરામે તેના નાગપુર અને દિલ્હીના બિઝનેસને મર્જ કરવા પડશે. આ મર્જર આગામી 4 મહિનામાં પૂર્ણ થઈ શકે છે. હલ્દીરામ ફૂડ્સ ઇન્ટરનેશનલની માલિકી દિલ્હીમાં રહેતા અગ્રવાલ પરિવારની છે. આ સિવાય હલ્દીરામ સ્નેક્સ ફૂડ પર નાગપુર પરિવારનું નિયંત્રણ છે.