Onion Prices
Onion Price Hike: ભારે ગરમી અને ઓછા વરસાદની આગાહીને કારણે સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું છે. આ માટે ડુંગળીની ખરીદીમાં વધારો કરવામાં આવ્યો છે.
Onion Price Hike: કેન્દ્ર સરકારે ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે બફર સ્ટોક માટે લગભગ 71,000 ટન ડુંગળીની ખરીદી કરી છે. ડુંગળીના ભાવ 40 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જોકે, કન્ઝ્યુમર અફેર્સ વિભાગના ડેટા અનુસાર, શુક્રવારે ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 38.67 રૂપિયા પ્રતિ કિલો હતી. સરકારને આશા છે કે આગામી સમયમાં ડુંગળીના ભાવ ઘટશે.
આ વર્ષે 5 લાખ ટન ડુંગળી ખરીદવાની તૈયારી
સરકારે ભાવ સ્થિર રાખવા માટે આ વર્ષે 5 લાખ ટન ડુંગળી ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકારને આશા છે કે દેશના મોટા ભાગના ભાગોમાં ચોમાસું આગળ વધવાથી છૂટક કિંમતો પણ ઘટશે. ગ્રાહક બાબતોના વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 20 જૂન સુધી કેન્દ્ર સરકારે બફર સ્ટોક તરીકે 70,987 ટન ડુંગળીની ખરીદી કરી છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 74,071 ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી.
ગરમી અને ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ
તેમણે કહ્યું કે આ વર્ષે તીવ્ર ગરમી અને ઓછા વરસાદને કારણે રવિ ઉત્પાદનમાં આશરે 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ડુંગળીના વધતા ભાવ માટે આ કારણોને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આમ છતાં આ વર્ષે બફર ડુંગળીની ખરીદીની ગતિ વધી છે. સરકાર આ બફર સ્ટોકનો ઉપયોગ ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે કરશે. ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે સરકાર ગયા વર્ષે ઓગસ્ટથી સતત પગલાં લઈ રહી છે. અગાઉ 40 ટકા નિકાસ જકાત લાદવામાં આવી હતી. આ પછી, ઓક્ટોબર, 2024માં લઘુત્તમ નિકાસ કિંમત $800 પ્રતિ ટન કરવામાં આવી હતી. ઉપરાંત, 8 ડિસેમ્બર, 2023 ના રોજ નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડિસેમ્બરમાં નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
આ પગલાંથી સરકારને સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખવામાં મદદ મળી. 4 મે, 2024 ના રોજ પ્રતિ ટન 550 ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત અને 40 ટકા નિકાસ જકાત સાથે નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. આ વર્ષે હીટવેવ અને કાળઝાળ ગરમીના કારણે લીલા શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેના કારણે ટામેટા, બટેટા, ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થયો છે. કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, ડુંગળીનું ઉત્પાદન આશરે 254.73 લાખ ટન થવાની ધારણા છે. ગયા વર્ષે લગભગ 302.08 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું.