GPS: કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે પ્રથમ 20 કિમી સુધીની મુસાફરી માટે કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં.
Toll Collection: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મંગળવારે નેશનલ હાઈવે ફીના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સાથે દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની નવી સૂચના અનુસાર, હવે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS), ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) અને ઓન બોર્ડ યુનિટ્સ (OBU)નો ઉપયોગ ટોલ વસૂલાત માટે કરવામાં આવશે. તેમની મદદથી ઓટોમેટિક ટોલ કલેક્શન થશે. આમાં, 20 કિમી સુધીની મુસાફરી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. અત્યારે ફાસ્ટેગનો ઉપયોગ પણ ચાલુ રહેશે.
જીએનએસએસવાળા વાહનો માટે અલગ લેન બનાવવામાં આવશે
સરકારે નવા નિયમો સત્તાવાર ગેઝેટમાં પણ પ્રકાશિત કર્યા છે. નોટિફિકેશન મુજબ, હાલમાં ફાસ્ટેગ અને ઓટોમેટિક નંબર રેકગ્નિશન ટેક્નોલોજી (ANPR)નો ઉપયોગ ચાલુ રહેશે. એવું કહેવામાં આવ્યું છે કે GNNS OBU ધરાવતા વાહનો માટે ટોલ પ્લાઝા પર અલગ લેન બનાવવામાં આવશે જેથી કરીને તેમને ટોલ વસૂલાત માટે રોકાવું ન પડે. આવા વાહનોએ ટોલ રોડનો ઉપયોગ કર્યો હોય તેટલા અંતર માટે જ ટોલ ચૂકવવો પડશે.
મુસાફરી કરેલ અંતરના આધારે ટોલ કાપવામાં આવશે
માર્ગ અને પરિવહન મંત્રાલયે કહ્યું કે જે વાહનો ભારતમાં નોંધાયેલા નથી અને જેની પાસે GNNS ઉપકરણ નથી, તેમના માટે ટોલ વસૂલવાની જૂની સિસ્ટમ ચાલુ રહેશે. હાલમાં તમારે ફાસ્ટેગમાંથી પૈસા કાપવા અથવા રોકડ ચૂકવવા માટે દરેક ટોલ પ્લાઝા પર રોકાવું પડશે. જેના કારણે પ્લાઝામાં ભીડ જામે છે. હવે જીપીએસની મદદથી અંતર નક્કી કરીને ટોલ કાપવામાં આવશે. તેનાથી લોકોનો સમય પણ બચશે. રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી ઘણા સમયથી આ સિસ્ટમ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
નવી સિસ્ટમ આ રીતે કામ કરશે, તે કેટલાક હાઇવે અને એક્સપ્રેસ વે પર શરૂ થશે
વાહનોમાં સ્થાપિત OBU ટ્રેકિંગ ઉપકરણો તરીકે કામ કરશે. તેઓ હાઇવે પરના વાહનના કોઓર્ડિનેટ્સ સેટેલાઇટ સાથે શેર કરશે. આ પછી વાહન દ્વારા કવર કરેલ અંતરની ગણતરી કરવામાં આવશે. જીપીએસ અને જીએનએનએસની મદદથી આ અંતરની પુષ્ટિ કરવામાં આવશે. આ ઉપરાંત હાઇવે પર લગાવવામાં આવેલા કેમેરા વાહનના લોકેશનની પુષ્ટિ કરવામાં પણ મદદ કરશે. નવી ટોલ કલેક્શન સિસ્ટમ શરૂઆતમાં કેટલાક હાઇવે અને એક્સપ્રેસ વે પર લાગુ કરવામાં આવશે.