GST Council: GST કાઉન્સિલે જીવન, સ્વાસ્થ્ય વીમા પર ટેક્સ ઘટાડવા અંગે શું નિર્ણય લીધો, જાણો અહીં
GST Council: રાજસ્થાનના જેસલમેરમાં આજે જીએસટી કાઉન્સિલની 55મી બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકથી એવી અપેક્ષાઓ હતી કે જીવન અને સ્વાસ્થ્ય વીમા પરના જીએસટી દરમાં ઘટાડો થશે, પરંતુ આ વખતે પણ આ અપેક્ષા પૂર્ણ થઈ નથી. GST કાઉન્સિલે શનિવારે જીવન અને સ્વાસ્થ્ય વીમા પૉલિસી પ્રીમિયમ પરના ટેક્સ દર ઘટાડવાના નિર્ણયને મોકૂફ રાખ્યો હતો. જીએસટીની બેઠક સાથે જોડાયેલા અધિકારીઓએ આ માહિતી આપી છે.
કેટલાક વધુ ટેકનિકલ પાસાઓ દૂર કરવાની જરૂર છે – GST કાઉન્સિલ
GST કાઉન્સિલની 55મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ સંબંધમાં કેટલાક વધુ ટેકનિકલ પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. આ અંગે વધુ વિચાર-વિમર્શ માટે કાર્ય GOMને સોંપવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને રાજ્યોના નાણા મંત્રીઓની હાજરીમાં GST કાઉન્સિલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વીમા પર GOMની બીજી બેઠક થશે – સમ્રાટ ચૌધરી
બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે ગ્રુપ ઈન્સ્યોરન્સ, પર્સનલ ઈન્સ્યોરન્સ, સિનિયર સિટીઝન પોલિસી પર કરવેરા અંગે નિર્ણય લેવા માટે વીમા પરના GoMની બીજી બેઠક થશે. સમ્રાટ ચૌધરીએ કહ્યું, “કેટલાક સભ્યોએ કહ્યું કે વધુ ચર્ચાની જરૂર છે. અમે (GOM) જાન્યુઆરીમાં ફરી મળીશું.”
નવેમ્બરમાં મંત્રીઓના જૂથે સહમતિ દર્શાવી હતી
GST કાઉન્સિલે સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં વીમા પર મંત્રી જૂથ (GoM) ની રચના કરી છે, જેણે નવેમ્બરમાં તેની બેઠકમાં GSTમાંથી ટર્મ પ્લાન્સ માટે વીમા પ્રિમીયમમાં મુક્તિ આપવા સંમતિ આપી હતી. આ સાથે, વરિષ્ઠ નાગરિકો દ્વારા આરોગ્ય વીમા કવચ માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને કરમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
વરિષ્ઠ નાગરિકો સિવાય અન્ય વ્યક્તિઓ માટે 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને GSTમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ પણ છે. જો કે, રૂ. 5 લાખથી વધુના સ્વાસ્થ્ય વીમા કવચવાળી પોલિસી માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર 18 ટકા GST ચાલુ રહેશે.