India Export: ૨૦૨૪-૨૫માં ભારતની નિકાસ ઐતિહાસિક ઊંચાઈએ, ૮૨૫ અબજ ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ
India Export; ભારતે નાણાકીય વર્ષ 2024-25માં તેની નિકાસમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા 1 મેના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતની કુલ નિકાસ (માલ અને સેવાઓ સહિત) 825 અબજ યુએસ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે, જે વાર્ષિક ધોરણે 6% ની વૃદ્ધિ દર્શાવે છે. ગયા નાણાકીય વર્ષ 2023-24માં આ આંકડો $778.13 બિલિયન હતો.
સેવા ક્ષેત્રે જબરદસ્ત તાકાત દર્શાવી
સેવાઓની નિકાસમાં અદભુત ઉછાળો જોવા મળ્યો. ૨૦૨૪-૨૫માં સેવાઓની નિકાસ ૩૮૭.૫ બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના ૩૪૧.૧ બિલિયન ડોલરથી ૧૩.૬% વધુ છે. માર્ચમાં સેવાઓની નિકાસ વાર્ષિક ધોરણે ૧૮.૬% વધીને ૩૫.૬ અબજ ડોલર થઈ. આ વૃદ્ધિમાં ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટર્સ, આઇટી, પરિવહન, મુસાફરી અને નાણાકીય સેવાઓનો નોંધપાત્ર ફાળો હતો.
મંત્રાલયનું નિવેદન
મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, “ભારતની કુલ નિકાસ 2024-25માં ઐતિહાસિક $824.9 બિલિયન પર પહોંચી ગઈ છે, જે પાછલા વર્ષ કરતાં 6.01% વધુ છે, જે વૈશ્વિક વેપાર સામે પડકારો હોવા છતાં એક નોંધપાત્ર સિદ્ધિ છે.”
FIEO ના મંતવ્યો અને સૂચનો
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના એસસી રાલ્હનના જણાવ્યા અનુસાર, આ આંકડા નિકાસકારોની તાકાત દર્શાવે છે, પરંતુ અમેરિકા અને યુરોપમાંથી ઓર્ડરમાં ઘટાડો ચિંતાનો વિષય છે. યુએસ આયાતકારો નવા વેપાર કરારોની રાહ જોઈ રહ્યા છે, જેની ભારતીય નિકાસ પર અસર પડી રહી છે. રાલ્હને સરકાર પાસે તાત્કાલિક વ્યાજ સબસિડી યોજના શરૂ કરવા અને વ્યાજ દર ઘટાડવાની માંગ કરી જેથી ભારતીય નિકાસકારો વૈશ્વિક બજારોમાં સ્પર્ધાત્મક બની શકે.