એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપની આ કર્મચારીઓની જગ્યાએ જર્મનીમાં સસ્તી ટીમ બનાવશે. ઊંચા પગારને કારણે તેમની છટણી કરવામાં આવી છે.
Google Employees: ગૂગલના કર્મચારીઓ લાંબા સમયથી સતત મુશ્કેલીમાં છે. તેમના પર છટણીની તલવાર સતત લટકતી રહે છે. કોસ્ટ કટિંગ જેવા વિવિધ કારણો દર્શાવીને એક પછી એક લોકોને અનેક વિભાગોમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે. હવે વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સુંદર પિચાઈની આગેવાની હેઠળની આલ્ફાબેટે સમગ્ર પાયથોન ટીમને કાઢી મૂકી છે. તેની પાછળનું કારણ સસ્તી મજૂરી હોવાનું કહેવાય છે.
અમેરિકાની બહાર સસ્તી ટીમ બનાવવામાં આવશે
ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, ગૂગલે તેની પાયથોન ટીમને ફક્ત એટલા માટે કાઢી નાખી છે કારણ કે તેમનો પગાર વધારે હતો. તેના બદલે હવે તે અમેરિકાની બહાર સસ્તા કર્મચારીઓ સાથે આ ટીમ બનાવશે. એવું માનવામાં આવે છે કે નવી ટીમની રચના જર્મનીના મ્યુનિકમાં થશે. ત્યાં તેમને ઓછા વેતન પર કર્મચારીઓ મળશે.
બરતરફ કરાયેલા કર્મચારીઓ અત્યંત નિરાશ છે.
ગૂગલ પાયથોન ટીમના ભૂતપૂર્વ સભ્યએ લખ્યું કે તેણે બે દાયકા સુધી ગૂગલમાં કામ કર્યું. આ તેનું શ્રેષ્ઠ કામ હતું. હવે છટણીના કારણે તે ખૂબ જ નિરાશ છે. અન્ય એક કર્મચારીએ લખ્યું કે તેને ખૂબ જ દુખ છે કે અમારા મેનેજર સહિત અમારી આખી ટીમને કાઢી મૂકવામાં આવી છે. હવે અમારી જગ્યાએ વિદેશમાં બેઠેલી ટીમ કામ કરશે. આ મૂડીવાદની નકારાત્મક અસર છે. આ નાની ટીમ પાયથોન સાથે સંબંધિત ગૂગલના મોટા ભાગના કામની દેખરેખ રાખતી હતી. આમ છતાં સસ્તી મજૂરીના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
ઘણા વિભાગોમાં છટણી થઈ છે
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, ગૂગલે રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ વિભાગમાં પણ છટણી કરી છે. ગૂગલના ફાયનાન્સ ચીફ રૂથ પોરાટે કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણ કરી હતી કે કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. અમે બેંગલુરુ, મેક્સિકો સિટી અને ડબલિનમાં વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. અગાઉ, ગૂગલે એન્જિનિયરિંગ, હાર્ડવેર અને સહાયક ટીમમાંથી હજારો કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી પર રોકાણ વધારવા માટે આ છટણી કરી છે.