L&T Tech: L&T ટેકનોલોજી સર્વિસિસે નાણાકીય વર્ષ 25 માટે પ્રતિ શેર રૂ. 38 ડિવિડન્ડની જાહેરાત કરી
L&T Tech: L&T ટેકનોલોજી સર્વિસીસે નાણાકીય વર્ષ 2024-25 માટે પ્રતિ શેર રૂ. 38 ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીના ડિરેક્ટર બોર્ડે 2 રૂપિયાના ફેસ વેલ્યુના દરેક ઇક્વિટી શેર પર આ આકર્ષક ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. ડિવિડન્ડ માટે હકદાર રોકાણકારોને ઓળખવાની રેકોર્ડ તારીખ 6 જૂન, 2025 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી કંપનીના શેર ધરાવતા રોકાણકારો આ ડિવિડન્ડ માટે પાત્ર રહેશે. કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં ઠરાવ પસાર થયા પછી 30 દિવસની અંદર આ ચુકવણી કરવામાં આવશે.
L&T ટેકનોલોજી સર્વિસીસના ચોથા ક્વાર્ટરના પરિણામોમાં નફામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે આવકમાં સારો વધારો થયો છે. માર્ચ 2025 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 9% ઘટીને ₹311 કરોડ થયો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹341 કરોડ હતો. આમ છતાં, કાર્યકારી આવક ૧૭.૫% વધીને ₹૨,૯૮૨.૪ કરોડ થઈ. આ દર્શાવે છે કે કંપનીના વેચાણમાં વધારો થયો છે, જ્યારે નફા પર થોડું દબાણ આવ્યું છે.
શેરબજારમાં કંપનીના શેરનું મિશ્ર પ્રદર્શન રહ્યું છે. છેલ્લા છ મહિનામાં શેરના ભાવમાં લગભગ ૧૩%નો ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં શેરમાં ૮%નો વધારો પણ જોવા મળ્યો છે. કંપનીનું પ્રદર્શન લાંબા ગાળે પ્રભાવશાળી રહ્યું છે, છેલ્લા પાંચ વર્ષમાં L&T ટેકનોલોજી સર્વિસીસના શેરમાં 318%નો જંગી વધારો થયો છે, જે રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે.