MSME Sector: MSME ક્ષેત્રને નવી ગતિ મળશે, એમ્બિટનો DCB સાથે ચોથો સહ-ધિરાણ કરાર
MSME Sector: સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે લોન મેળવવાનું હવે સરળ બનશે. એમ્બિટ ગ્રુપની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) શાખા, એમ્બિટ ફિનવેસ્ટે, MSME ક્ષેત્રને સસ્તા દરે વ્યવસાયિક લોન પૂરી પાડવા માટે DCB બેંક સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.
આ ભાગીદારી ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સહ-ધિરાણ માળખા હેઠળ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય પ્રાથમિકતા ક્ષેત્રોમાં ધિરાણ પ્રવાહને પ્રોત્સાહન આપવાનો છે. આ વ્યૂહાત્મક જોડાણ એમ્બિટ ફિનવેસ્ટને DCB બેંકની મજબૂત બેલેન્સ શીટ અને સંસાધનોનો ઉપયોગ કરીને સલામત અને સ્પર્ધાત્મક દરે લોન પૂરી પાડવા સક્ષમ બનાવશે.
આ એમ્બિટ ફિનવેસ્ટનો ચોથો સહ-ધિરાણ કરાર છે. અગાઉ, કંપનીએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, SIDBI અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાથે પણ સમાન ભાગીદારી કરી છે.
એમ્બિટ ફિનવેસ્ટના CEO સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય એવા MSMEs સુધી પહોંચવાનો છે જેઓ ઘણીવાર ધિરાણના અભાવે વૃદ્ધિની દોડમાં પાછળ રહે છે. આ ભાગીદારી આવા એકમોને નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે.”